ગીરના પુરાણ પ્રસિધ્ધ તીર્થધામ તુલસીશ્યામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શ્યામ પરિવાર અને ભાવિકોની બહોળી ઉપસ્થિતી રહી હતી.
ભગવાન શ્યામ સુંદરના સાનિધ્યમાં સત્યનારાયણદેવની કથા, પૂ. ભોળાદાસબાપુ ગુરુ સેવાદાસબાપુ તથા પૂ.સીતારામબાપુની ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ (પૂર્વ ધારાસભ્ય) પરિવાર દ્વારા ભગવાન શ્યામ સુંદરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવેલ. જ્યારે મનુભાઈ ભીમાભાઈ વાળા તરફથી ભગવાન શ્યામ સુંદરને થાળ ધરાવામાં આવેલ તેમજ રૂ.૧ લાખ રોકડ અનુદાન શ્યામ ચરણે ધરવામાં આવેલ. આણંદવાળા શૈલેષભાઇ નવનીતરાય શાહ પરિવાર દ્વારા તુલસીશ્યામ મંદિરે રૂમ નિર્માણ માટે રૂ.૧.૫૦ લાખનું અનુદાન આપવામાં આવેલ. ગુરુપૂર્ણિમા ઉત્સવમાં બહોળી સંખ્યામાં શ્યામ પરિવાર અને ભાવિક ભાઈ બહેનો સામેલ થયા હતા અને તત્પોદક (ગરમ પાણીના કુંડમાં) સ્નાન કરી પ્રભુ શ્યામ અને રૂક્ષમણી માતાના દર્શન અને પ્રસાદ વિગેરેનો લાભ લીધેલ. હાલ તુલસીશ્યામમાં લીલોતરી ખીલેલી હોવાથી યાત્રિકોનો વિશેષ ઘસારો રહેલ. ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂના માર્ગદર્શન તળે મેનેજર અશોકભાઈ ગઢવી અને રણજીતભાઈ વરૂ તથા શ્યામ પરિવારે જહેમત ઉઠાવી વ્યવસ્થા જાળવી હતી.