ધંધુકા શહેરની જીવાદોરી બની ગયેલી નર્મદાની કેનાલમાં બાલા હનુમાન મંદિર પાસે એક તરફનો સીમેન્ટના પડનો મોટો હિસ્સો ઘણાં સમયથી તૂટીને પાણીમાં વહી ગયો છે. આ મોટા ગાબડા સમાન વિસ્તારમાં કેનાલ ગમે ત્યારે તૂટે તેવી સતત ભીતિ સેવાઇ રહી છે. હાલ તો માટીની દિવાલના સહારે જ કેનાલ ટકી રહી છે. આ કેનાલમાં થોડા મહિનાઓ અગાઉ મેઇન્ટેનન્સના નામે ઘણાં દિવસ કેનાલ બંધ કરીને ઉનાળાના સમયમાં જ નગરના લોકોનેપીવાના પાણીથી વંચિત રાખી સમગ્ર કેનાલમાં પડેલા આવા ગાબડાઓ અને તૂટી ગયેલા ભાગનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. આ સમારકામ કર્યાને થોડા જ દિવસો બાદ ફરી ધંધુકા નજીક કેનાલમાં મોટા મોટા સીમેન્ટના પોડાઓ ખરીને પાણીમાં વહી ગયા છે. લાંબા સમયથી પડેલા પોડાઓ બાદ પણ નર્મદા વિભાગનું પેટનું પાણી પણ હલતું નથી. આ જર્જરીત થયેલો ભાગ ગમે ત્યારે મોટું નુકશાન કરી શકે છે. અને કેનાલમાં મોટું ગાબડું પડવાની પૂરે પૂરી સંભાવનાઓ છે. અગાઉ પણ કેનાલમાં આવા જ ગાબડાઓ સમયસર રીપેર ન કરાતા કેનાલમાં ગામડા પડ્યા હતા. અને ખેડૂતોને નુકશાન થયું હતું. નર્મદાના પાણી ખેતરોમાં ઠલવાઇ ગયા હતા. આમ નર્મદાની કેનાલના નબળા કામોની વારંવારની ફરિયાદો અને વારંવારના સમારકામ બાદ પણ ગણતરીના દિવસોમાં ફરી કેનાલમાં સીમેન્ટના પોપડાઓ ઉખડી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા છતાં નર્મદા વિભાગ દ્વારા કોઇ નક્કર પગલાંઓ લેવાતા નથી. અને સમારકામ યોગ્ય સમયે કરવામાં આવ્તું નથી. જેના કારણે ગમે ત્યારે કેનાલમાં ગાબડું પડતા જ આજુબાજુના ખેતરોમાં પાણી ફેલાતા ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાની સંભાવનાઓ છે. આમ કેનાલના નબળા કામ બાદ પણ કોન્ટ્ર્ક્ટરો પ્રત્યે કુણું વલણ રાખનાર નર્મદા વિભાગને ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે શું નર્મદા વિભાગ કેનાલ તૂટવાની અને મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહ્યું છે. કેનાલમાં થયેલી ક્ષતિ બાદ પણ તેને કેમ સમારકામ કરી યોગ્ય કરવામાં આવતી નથી.