બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં રહેલ ગૌચરની જમીનમાં ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતુ.જે દબાણ દુર કરવા અંગે હાઈકોર્ટમાં પી.આઈ.એલ.દાખલ કરવામાં આવી હતી.જે અંગે કોર્ટ દ્વારા દબાણ દુર કરવા અંગે ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો હતો.પરંતુ સરકારી અમલદારો દ્વારા ઓર્ડરનો અમલ નહી કરવામાં આવતા કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.આ અંગે મળતી વિગત અનુસાર રાણપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં અમુક ઈસમો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતુ.જે અંગે રાણપુર ગામના રામજીભાઈ વજેકરણભાઈ ગાંગડીયા તેમજ રાણાભાઈ કાનાભાઈ સભાડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. નં.૧૯૭/૨૦૧૫ થી દાખલ કરવામાં આવી હતી.જે અંગે હાઈકોર્ટના જજ એસ.આર. બ્રહ્મભટ્ટ તેમજ જસ્ટીસ બી.બી.માયાણી દ્વારા તા-૨૯.૩.૨૦૧૯ ના રોજ રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારના ગૌચર જમીન ઉપર દબાણો દુર કરવા ઓરલ ઓર્ડર કરવામાં આવ્યો હતો.જે ઓર્ડરની નકલ બોટાદ જીલ્લા કલેક્ટર, બોટાદ જીલ્લા વિકાસ અધિકારી, રાણપુર મામલતદાર, રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ રાણપુર તલાટી કમ મંત્રી ને તા-૨૫.૪.૨૦૧૯ સુધીમાં પાઠવવામાં આવી હતી.તેમજ અરજદારો દ્વારા સરકારી અમલદારોને લેખિત-મૌખિક રજુઆતો પણ કરવામાં આવી હતી.છતા તંત્ર દ્વારા કોઈ ગૌચર ઉપરનું દબાણ દુર કરવામાં આવ્યુ નહોતુ જે અંગે એડવોકેટ નટવરલાલ જી.વસોયા દ્વારા બોટાદ જીલ્લા કલેક્ટર,બોટાદ જીલ્લા વિકાસ અધિકારી, રાણપુર મામલતદાર,રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ રિણપુર તલાટી કમ મંત્રી તમામ પક્ષકારોને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની નોટીસ તા-૧૫.૭.૨૦૧૯ ના રોજ આપવામાં આવી હતી.જયારે સરકારી બાબુઓ ઉપર કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કેમ ન કરવી તેવી નોટીસ ફટકારતા સમગ્ર રાણપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે.અત્રે ઉલેખનીય વિગત અનુસાર રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ગૌચરની ૬૦૦ એકરની જમીન ઉપર દબાણ અમુક ઈસમો દ્વારા કરવામાં આવ્યુ છે.
દબાણ દુર નહી થાય તો આંદોલન કરાશે
આ બાબતે રામજીભાઈ ગાંગડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર ગ્રામ પંચાયતની ગૌચર જમીન ઉપરનું દબાણ દુર કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ આ દબાણો દુર કરવામાં આવે તો મોટા માથા નીચે રેલો આવે તેમ છે કે પછી મોટા માથા નીચે રેલો ન આવે તે માટે કાર્યવાહી થતી નથી.