ફરી એકવાર રાજ્યમાં દલિત યુવકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. ઊના તાલુકાનાં પાલડી ગામમાં રહેતા રમેશભાઇ મકવાણા નામના યુવાનને બે પોલીસકર્મીઓએ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ યુવાન પોતાના ભાઇનો અકસ્માત થતા તેના ક્લેઇમ કેસ માટે ડોક્યુમેન્ટ ઊના પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા. જે મામલે ૨ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
રમેશ મકવાણાની ફરિયાદ પ્રમાણે તે પોતાના પરિવારના સભ્યોનો અકસ્માત થતાં ક્લેઈમ માટે કાગળો લેવા ઊના પોલીસ સ્ટેશનમાં ગયા હતા. જ્યાંના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મકવાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલે યુવકને બેફામ માર માર્યો હતો. જે બાદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ કરાયો હતો. જે બાદ રમેશભાઇએ સારવારમાં જુનાગઢમાંથી ઊના પોલીસમાં ફરીયાદ કરી છે. બન્ને પોલીસ કર્મચારીઓએ કોઈ કારણો વગર જાતિ પ્રત્યે અપમાનિત કરી અને બેફામ માર માર્યો હતો તે નોંધાવ્યું છે. જે બાદ ઊના પોલીસ સ્ટેશનમાં બન્ને પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે.
ગીર સોમનાથનાં એ.એસ.પી, અમીત વાસાવાએ આ મામલામાં જણાવ્યું છે કે, હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મકવાણા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ગોહિલ સામે માર મારવા અને એટ્રોસિટી એમ બે ફરિયાદ નોંધી છે. હાલ તપાસ ચાલુ છે. આ બનાવની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસ પી.બામણીયા કરી રહ્યાં છે.