હાલ ભાજપ દ્વારા સદસ્યતા નોંધણીની કામગીરી ચાલુ છે. પરંતુ કચ્છમાં સદસ્ય નોંધણીની સંખ્યા વધારવા ભાજપના નેતાઓ હવે શૈક્ષણિક સંકુલમાં પણ કામગીરી કરી રહ્યા છે! ભુજની લાલન કોલેજ પ્રાંગણમાં પ્રભારી સહિતના હોદ્દેદારોએ કોલેજીયનોને મીસ કોલ કરી ભાજપના સદસ્ય બનવા અપીલ કરતા આશ્ચર્ય સર્જાયું છે. કોલેજમાં વિદ્યાર્થીઆ અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે આ પ્રકારે રાજકીય કામગીરીથી અનેક પ્રશ્નો ઊભા થાય છે.
આમ જોવામાં આવે તો વડાપ્રધાન બનતા પહેલા મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટનું ભાષણ ભુજની લાલન કોલેજથી આપ્યું હતું. ત્યારે જ ભાજપે લાલન કોલેજથી લાલ કિલ્લાનું સુત્ર આપ્યુ હતું. તેવામાં ભાજપને આ કોલેજ ફરી યાદ આવી છે.યુવા મોરચા દ્વારા સદસ્ય નોંધણી માટે કોલેજના પ્રાંગણમાં અભિયાન હાથ ધરાયું હતું. પ્રભારી સહિતના સભ્યોએ કોલેજમાં આવેલા છાત્રોને મિસ કોલના માધ્યમથી ભાજપની સદસ્યતા જોડાવવા અપીલ કરી હતી. આ પ્રકારે ભાજપના સભ્યો કોલેજમાં રાજકીય પ્રવૃતિ માટે આવી જતા અનેક વિદ્યાર્થીઓને પણ નવાઇ લાગી હતી!