મહાપાલિકામાં ૧૨૬ કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પિન્કીબેન પટેલ દ્વારા તપાસ કરવાની અને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા ક્વોલિફાયર્સનું લિસ્ટ જોહેર નોટિસ બોર્ડ પર મુકવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માગણી કરાઇ છે. આ સાથે ભરતીમાં ગેરરીતિના મુદ્દે મહાપાલિકામાં ફરીવાર બબાલ શરૂ થવાના એંધાણ મળી રહ્યાં છે. કેમ કે કોર્પોરેટરે જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કમિશનરની ઓફિસ સામે જ ઉપવાસ પર બેસી જવાની અને કોર્ટ કાર્યવાહી કરવાની ચિમકી આપી છે.
૨૦૧૭-૧૮થી શરૂ કરાયેલી ભરતી પ્રક્રિયા હજ પૂર્ણ થઇ નથી, પરંતુ સમયાંતરે તેમાં ગેરરીતિ થઇ રહ્યાંના આક્ષેપ થતાં રહ્યાં છે. મેરિટ યાદી જાહેર કર્યા વગર જ ઉમેદવારોની કોમ્પ્યુટર ટેસ્ટ લેવાના મુદ્દે પણ બબાલ થઇ ચૂકી છે અને આ મુદ્દો સામાન્ય સભામાં પણ ગાજી ચૂક્યો છે. ત્યારે મહિલા કોર્પોરેટર દ્વારા નવેસરથી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરાઇ રહ્યાનો બુંગિયો ફૂંકવામાં આવ્યો છે. તેણે મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પરીક્ષા લેવામાં આવ્યા બાદ જીટીયુ દ્વારા ફાઇનલ મેરિટ લિસ્ટ મહાપાલિકાને અપાયું હતું અને અમે એપ્રિલ ૨૦૧૮માં પણ મેરિટ લિસ્ટ જાહેર નોટિસ બોર્ડ પર મુકવાની માગણી કરી હતી. મહાપાલિકા દ્વારા અકળ કારણથી ક્વોલિફાય થયેલા ઉમેદવારોની યાદિ જાહેર કરવામાં આવતી નથી, ત્યારે કંઇક ખોટુ થઇ રહ્યાંની ગંધ આવી રહી છે.