રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે તસ્કરોએ શહેર નજીક આવેલા વાવોલમાં બંધ મકાનનું તાળું તોડી તેમાંથી ૭પ હજારની મત્તા ચોરી લીધી હતી. જ્યારે સે-ર૬ કિસાનનગરમાં પણ તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી ૮૦ હજાર ઉપરાંતની ચોરી કરી હતી. રાજસ્થાન પાસ’ગની કારમાં તસ્કરો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે આ વિસ્તારમાં હવે પોલીસ પેટ્રોલીંગ પણ વધારવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે. શહેર નજીક આવેલા વાવોલમાં શિવેશ ૧૯પના ફલેટ નં.એ/૩૦રમાં રહેતાં મૃગેશ લક્ષ્મણભાઈ મહેરીયા તેમનું મકાન બંધ કરીને ઓફીસ જવા નીકળ્યા હતા અને તેમની માતા ગુરૂપૂનમ હોવાથી દર્શને ગયા હતા.
આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૭પ હજારની મત્તા ચોરી લીધી હતી. બપોરે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘટનાની જાણ થઈ હતી. જેથી આ સંદર્ભે સે-૭ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે શહેરના સે-ર૬ કિસાનનગર ખાતે પ્લોટ નં. ૬૫૨/૧ ખાતે પણ તસ્કરો ત્રાટકયા હતા.
જ્યાં અન્ય એક બંધ મકાનનું તાળું તોડતાં પાડોશમાં રહેલી બાળકીએ આ તસ્કરોને શું કામ આવ્યા છો તેવું પુછતાં અમે ઈન્કમટેકસ ઓફીસર છીએ તપાસમાં આવ્યા છીએ તેમ કહેતાં તેણીએ પપ્પાને ફોન કરૂ છું તેમ કહેતા આ શખ્સો ત્યાંથી ભાગી છુટયા હતા અને કિસાનનગરના ૬૫૨/૧ માં તસ્કરો ત્રાટકયા હતા અને તેમાંથી ૮૦ હજાર ઉપરાંતની રોકડ ચોરી લીધી હતી. ચોરી કરવા આવેલા તસ્કરો રાજસ્થાન પાસ’ગની કારમાં આવેલા હોવાનું પણ જાણવા મળ્યું છે અને આ કાર રાંધેજા પાસે કેમેરામાં કેદ પણ થઈ હતી. ત્યારે આ સંદર્ભે સે-ર૧ પોલીસને જાણ કરાતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે.