ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં  કસ્ટોડિયલ ડેથના ૧૩૩ કેસ

565

ગુજરાત વિધાનસભા બીજી બેઠકમાં પ્રશ્ન કાળમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના બનાવો અંગેનો પ્રશ્ન વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો. જેમાં પ્રદિપસિંહ જાડેજાએ લેખિતમાં જવાબ આપીને જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૩૩ કસ્ટોડિયલ ડેથના બનાવો બન્યા છે.

જયારે એક પીએસઆઈ સહિત ૩ પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે અન ૩ હેડ કોન્સ્ટેબલને દંડ કરાયો હોવાનું જણાવ્યું હતું. કસ્ટોડિયલ ડેથના ગુજરાતના આ આંકડા ગંભીર અને ચિંતાજનક કહી શકાય તેવા હોઇ વિપક્ષે પણ તેને લઇ આકરી ટીકા અને પ્રહારો કર્યા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, તા.૩૦ એપ્રિલ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના કેટલા બનાવો બન્યા છે. આ ઘટનાઓ બાદ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શું પગલા લેવામાં આવ્યા. પ્રશ્નના લેખિત ઉત્તરમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૩૦ એપ્રિલ ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ૧૩૩ કસ્ટોડિયલ ડેથના બનાવો બન્યા છે. જ્યારે આ ઘટનામાં ૧ પી.એસ.આઈ, ૧ હેડ કોન્સ્ટેબલ અને ૧ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે કસ્ટોડિયલ ડેથને લઈને ૩ હેડ કોન્સ્ટેબલને રોકડ દંડની શિક્ષા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

આ સિવાય એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને મળતો ઈજાફો બે વર્ષ માટે ભવિષ્ય સાથે અટકાવવામાં આવી છે. આ ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલને એક ઇજાફો ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. જ્યારે એક એએસઆઇને ઠપકાની શિક્ષા આપવામાં આવી છે. જ્યારે ૧ પોલીસ ઇન્સ્પેક્ટર ૪ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને ૩ હેડ કોન્સ્ટેબલને તહોમતનામું આપવામાં આવ્યું છે. તો, બે પીએસઆઇ અને એચ.આઇ સહિત ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સામે ચાર્જશીટ કરવામાં આવી છે. ઉપરાંત બે જી.આર.ડી.ના જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં બનેલા કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં તેમના વારસદારોને રૂપિયા ૨૩.૫૦ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનો સ્વીકાર ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમના લેખિત ઉત્તરમાં વ્યક્ત કર્યો હતો. જો કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલા કસ્ટોડિયલ ડેથના કિસ્સા અને આંકડાને લઇ રાજકારણ ગરમાયુ હતુ.

Previous articleલોકોને જરૂરી સેવા આપવામાં સેવાસેતુ આશીર્વાદ સમાન છે
Next articleખેડુતોની આવક બમણી કરવા માર્કેટની સીસ્ટમ બદલવી જરૂરી : વિજય રૂપાણી