કર્ણાટક : વિશ્વાસમત વગર કાર્યવાહી મોકૂફ

399

કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો દોર જારી છે. ગુરુવારના દિવસે વિશ્વાસમત પરીક્ષણ વગર સ્પીકર રમેશકુમારે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આનો વિરોધ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. ભાજપના ધારાસભ્યોએ માંગ કરી હતી કે, સ્પીકર રાજ્યપાલના પત્રનો જવાબ આપે અને વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવે. માંગ ન માનવાની સ્થિતિમાં ધારાસભ્યોએ રાત્રે વિધાનસભા સંકુલમાં ધરણા પર બેસવાની જાહેરાત કરી હતી. રાતભર ધરણાનો દોર ચાલશે. બીજી બાજુ કર્ણાટક સરકારના મંત્રી એમવી પાટિલ અને ડીકે શિવકુમાર ભાજપના ધારાસભ્યોના ધરણાને ખતમ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. આના ભાગરુપે ગુરુવારે મોડી રાત્રે બીએસ યેદીયુરપ્પા સહિત તમામ ધરણા ઉપર બેઠેલા ધારાસભ્યો સાથે વાતચીત કરીને વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસ કર્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આજે ગૃહમાં વિશ્વાસમત પરીક્ષણ માટે તારીખ નક્કી કરી હતી. ગુરુવારે સવારે વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જોરદાર ચર્ચા થઇ હતી.

આ ગાળા દરમિયાન ભાજપના એક મંત્રીમંડળે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને મામલામાં દરમિયાનગીરી કરવા અપીલ કરી હતી. તેઓએ રાજ્યપાલને અપીલ કરી હતી કે, સ્પીકરને વિશ્વાસમત ઉપર ચર્ચા જારી રાખીને પ્રક્રિયાને પૂર્ણ કરે. ત્યારબાદ રાજ્યપાલે સ્પીકરને પત્ર લખીને ગુરુવારના દિવસે જ વિશ્વાસમત પરીક્ષણ કરવા પર વિચારણા કરવા કહ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, રાત્રે ભલે બાર વાગ્યા સુધી કાર્યવાહી ચાલે પરંતુ વિશ્વાસમતની કામગીરી આજે જ હાથ ધરવી જોઇએ. સ્પીકર રમેશકુમારે વિશ્વાસમત પરીક્ષણ કરાવ્યા વગર જ શુક્રવાર સુધી કાર્યવાહીને મોકૂફ કરી દીધી હતી. સ્પીકરના આ નિર્ણય સામે ભાજપના ધારાસભ્યોએ ધરણા પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી. કર્ણાટકમાં શક્તિ પ્રદર્શન પહેલા જ ૧૯ ધારાસભ્યો ગાયબ રહ્યા હતા.

Previous articleમાયાવતીના ભાઈનો ૪૦૦ કરોડનો પ્લોટ કબજે કરાયો
Next articleજાફરાબાદમાં વરૂણદેવને રિઝવવા માટે યજ્ઞ યોજાયો