ભાવનગરના ચાવડીગેઇટ વિસ્તારમાં ચણવામાં આવેલ મંદિરને તોડવા માટે ગયેલ મહાપાલિકાની ટીમનો સ્થાનિક વસાહતીઓએ વિરોધ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. જો કે તંત્રએ વિરોધને અવગણીને મંદિર તથા ઓટલો તોડીને જગ્યા ખુલ્લી કરી હતી.
ભાવનગરના ચાવડીગેઇટ વિસ્તારમાં આવેલ કુંભારવાડા તરફ જવાના માર્ગ પર આરસીસી રોડ બન્યા બાદ સ્થાનિક લોકો દ્વારા રોડની બાજુમાં ખોડીયાર માતાજીનું મંદિરનું બાંધકામ કર્યું હતું. આ બાબતની જાણ થતાં મહાપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. અને મંદિર હટાવવાની કામગારી હાથ ધરતાં સ્થાનિક લોકો એક્ઠા થઇ ગયા હતા અને ડિમોલેશન કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
સ્થાનિકોના વિરોધ વચ્ચે એક મહિલાએ જેસીબી પર ચડી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે પોલીસ તંત્ર હરકતમાં આવ્યા બાદ મહાપાલિકાની ટીમે મંદિર તથા બાજુમાં એક આસામી દ્વારા ચણવામાં આવેલ ઓટલો તોડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
ડિમોલેશન કાર્યવાહીના પગલે સ્થાનિક વસાહતીઓ મહાપાલિકા કચેરીએ દોડી ગયા હતા અને મેયરને રજુઆત કરી હતી. અગાઉ ઘોઘારોડ પર રામદેવપીરનું મંદિર હટાવવામાં પણ લોકોએ દેકારો મચાવ્યો હતો.