ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા કરી હતી. જેમાં તેમણે સબળ વિપક્ષ તરીકે પ્રજાહિતની કામગીરી કરવાની ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમજ ગુજરાત વિધાનસભાનું ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવા મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી હોવાની માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રથમવાર કોંગ્રેસના ધાસભ્ય પરેશ ધાનાણી સોમનાથ મહાદેવ પહોચ્યાં હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવને જળાભિષેક અને પુજા અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ વિધાનસભામાં વિપક્ષ પદે જનાદેશ આપ્યો છે, ત્યારે અમે પ્રજાની વેદનાને વાચા આપવાનો સંકલ્પ કર્યો છે. સાથે સાથે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પદ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દેશની સંસદીય પ્રણાલીની પરંપરા મુજબ અઘ્યક્ષ પદે સત્તાપક્ષ હોય, ત્યારે ઉપાઘ્યક્ષ પદે વિપક્ષ રહે. ભાજપ સરકારે આ પ્રણાલી બંઘ કરી છે જેથી તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી આ પ્રણલી જાળવવા વિનંતી કરી છે. સોમનાથ ખાતે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સહિતના આગેવાનો જોડાયા હતા. પરેશ ધાનાણીએ સોમાનાથ મહાદેવને શિશ નમાવ્યા બાદ પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા તથા વિર હમિરજી ગોહિલની પ્રતિમાને વંદન કર્યા હતા.