બોગસ દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડનાર ભેજાબાજ બે ભાઇઓની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ આ કેસમાં પોલીસે એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. ભેજાબાજોએ જમીન ખરીદનાર પાસેથી રૂપિયા ૨૫ લાખ પડાવ્યા બાદ જમીનમાંથી નામ કમી કરી દીધું હતું.
વડોદરાના આર.વી. દેસાઇ રોડ પર આવેલી અશોક કોલોનીમાં રહેતા દિપેશ ગોવિંદભાઇ પટેલે પોતાની જમીન એ-૪૨, શ્રીજીધામ સોસાયટી, માંજલપુર ખાતે રહેતા સમીર નાગેન્દ્ર દાલીઆ સાથે સોદો કર્યો હતો અને નોટરી બાનાખત કરી આપવા માટે વિશ્વાસ આપ્યો હતો. અને તે સામે નક્કી થયા મુજબ રૂપિયા ૨૫ લાખ લીધા હતા. ત્યારબાદ દિપેશ તેના પિતા ગોવિંદ વાલજીભાઇ પટેલ અને કાકા રામજી ગોવિંદભાઇ પટેલે ભેગા મળી બોગસ દસ્તાવેજો ઉભા કરીને આ જમીન દિપેશે પોતાની માતા અમૃતબહેન પટેલના નામનો બક્ષીસ લેખ કરી જમીન પોતાના નામે કરી લીધી હતી.દરમિયાન છેતરપિંડીનો ભોગ બનેલા સમીરભાઇ દાલીઆએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને પોલીસે આ પહેલાં આરોપી દિપેશ પટેલની ધરપકડ કરી હતી અને આજે ગોવિંદ વાલજી પટેલ અને તેના ભાઇ રામજી વાલજી પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.