અત્યારના સમયમાં રાજ્યભરમાં અનેક નકલી ડોક્ટરો વિવિધ વિસ્તારોમાં હાટડીઓ ખોલીને પ્રેક્ટિસ કરતા હોય છે. અને તે અંગેની ફરિયાદો મળતા તેમ જ આરોગ્ય તંત્ર દ્વારા ડૉક્ટરોની ડીગ્રીની તપાસ કરવામાં આવતા નકલી ડોક્ટર ઝડપાઈ જાય છે ત્યારે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે. જોકે તાજેતરમાં એક એજન્સી દ્વારા વિસનગર વિસ્તારના મંડાલી નામના ગામડામાં સ્ટીગ ઓપરેશન કરેલ જે પોતાને ડો ગણાવતો ધોરણ ૧૦ પાસ છે અને ઘેર બેઠા ગામડાના દર્દીઓને ઇન્જેક્શન તેમજ મેડીકલ દવાઓ આપે છે. તેના પિતા નેચરોપથીના ડોક્ટર છે. આ અંગે નો વિડીયો મુખ્યમંત્રી કાર્યાલય, મહેસાણા કલેકટર તેમજ સંબંધિતોને મોકલવામાં આવેલ. જેમા મહેસાણા આરોગ્ય ટીમે તપાસ કરીને બનાવટી ડોક્ટરને મળી સેક કરીને પરત ફરી હતી. પરંતુ સ્ટિગ ઓપરેશન જોવા છતાં કોઈ ફરિયાદ ન કરીને આ બનાવટી ધોરણ ૧૦ પાસ બોગસ ડોકટરને છાવરવામાં આવ્યો હતો. આ ટીમની કાર્યવાહી અનુસાર તો લોકોનું જે થવું હોય તે થાય એવી માનસિકતા બહાર આવી હતી અને લોકોને રામભરોસે છોડી દીધા હતા. જોકે અમદાવાદ શહેર અને જિલ્લામાં આરોગ્ય તંત્રની ટીમે તપાસ હાથ ધરીને નકલી ડિગ્રી ધારક ૧૯ ડૉકટરોને ઝડપી પાડી તેમના દવાખાનાને સીલ મારીને ફોજદારી રાહે પગલાં લઈને મર્દાનગી બતાવી હતી.
આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખના લેખિત પ્રશ્નોમાં આરોગ્ય મંત્રીશ્રીએ લેખિતમાં જણાવ્યું છે કે તારીખ ૩૧- ૫- ૨૦૧૯ સુધીના છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં તબીબોની ડિગ્રીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી તે મુજબ વર્ષ ૨૦૧૭- ૧૮ માં ત્રણ વાર અને વર્ષ ૨૦૧૮- ૧૯ માં કુલ ૧૩ વખત ચકાસણી કરવામાં આવી હતી. જે ચકાસણી તારીખ પ્રમાણે કરેલ તેની વિગતો પણ જણાવેલ છે.
સભ્યના અન્ય પ્રશ્ને મંત્રીશ્રીએ જણાવેલ છે કે ચકાસણી દરમિયાન વર્ષ ૨૦૧૭- ૧૮ માં ૬ નકલી ડીગ્રી ધરાવતા ડોક્ટરોને અને વર્ષ ૨૦૧૮- ૧૯ દરમિયાન ૧૩ નકલી ડોક્ટરોને ઝડપી પાડયા હતા. આવા નકલી ડીગ્રી ધરાવતા ડૉક્ટરોના દવાખાનાઓને સીલ કરવામાં આવેલ તેમજ તેઓની તપાસ અને ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરેલ છે.