રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને મગફળી ખરીદીની સમય મર્યાદા માટે દરખાસ્ત કરવામાં આવી હતી, આ દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના કૃષિ મંત્રી આર.સી.ફળદું આ માટે આયોજન કરી રહ્યા છે. નવા ગોડાઉન પણ ગાંધીધામ અને કંડલા ખાતે ઊભા કરાશે. ઉલ્લેખનીય છે કે, દિવ્ય ભાસ્કરે તા. ૧૩મી ફેબ્રુઆરીએ ‘મગફળીની ખરીદી બંધ થઇ જતા ચાર લાખ ટન મગફળી ખરીદી અધ્ધરતાલ’અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ગુજરાત સરકારને વધારાની ચાર લાખ ટન મગફળી ખરીદવાની મંજૂરી અપાય છે. દરમિયાનમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુંએ કહ્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં રૂ. ૩૬૦૦ કરોડની ૮૧ લાખ ક્વીન્ટલ મગફળીની ખરીદી કરી છે. તેમણે કહ્યું હતું કે, સરકારે તા. ૨૫ ઓકટોબર, ૨૦૧૭થી નાફેડ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદી હાથ ધરી હતી. અત્યાર સુધીમાં રૂ. ૩૬૩૯.૧૮ કરોડની ૮૦૮૭૦૭૧.૬૮ ક્વીન્ટલ મગફળી ખરીદી છે. આ પૈકી રૂ. ૨૮૩૩.૬૪ કરોડ ખેડૂતોને ચૂકવી દેવામાં આવ્યા છે.
ઉપરાંત ખેડૂતોએ રૂ. ૪૧૬.૩૫ કરોડનું રિવોલ્વિંંગ ફંડ પૂરું પાડ્યું છે, આ ફંડના માધ્યમથી પણ ખેડૂતોને સમયસર મગફળીના વેચાણની રકમ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૨ લાખ ટન મગફળી થઇ છે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે. તેમના કહ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે ૧૨ લાખ ટન મગફળી ખરીદવા માટેની મંજૂરી માગવામાં આવી હતી. આ પૈકી ચાર લાખ ટન મગફળી ખરીદવાની બાકી હતી, પણ સમય મર્યાદા પૂરી થઇ જતા કેન્દ્ર સરકારને સમય મર્યાદા વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્ત સ્વીકારવામાં આવી છે અને હવે મગફળીની ખરીદી ટેકાના ભાવથી થશે તેવું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન એપીએમસીની માળખાકીય સુવિધાઓ અને સેવાઓનો વ્યાપક ઉપયોગ થાય છે જેની સામે તેમને ૦.૫ ટકા માર્કેટ ફી લેખે ચૂકવવાની જવાબદારી રાજ્ય સરકારે પોતાના શિરે લીધી હોવા છતાં એપીએમસીને બે વર્ષથી ૨૯ કરોડ ચૂકવવામાં આવ્યા નથી. આ રકમ વસૂલવા માટે એપીએમસીના હોદ્દેદારો સચિવાલયમાં ધક્કા ખાઇ રહ્યા છે.
કૃષિ મંત્રી અને સહકાર મંત્રી સાથે બેઠક યોજવા છતાં આ મુદ્દે નિવેડો આવ્યો નથી. ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન ગૌરાંગ પટેલે કહ્યું કે રાજ્ય સરકારે ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ પરિપત્ર કરીને મગફળીની માર્કેટ ફી ૦.૫૦ ટકા લેખ બજાર સમિતિને ચૂકવવાની જવાબદારી સ્વીકારી છે. ગત વર્ષની મગફળી ખરીદીની માર્કેટ ફી પેટે ૧૧ કરોડ રૂપિયા અને ચાલુ વર્ષની ખરીદીના ૧૮ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.
હવે કૃષિ મંત્રી અને સહકાર મંત્રીએ આ બાબતે નાણા મંત્રીને રજૂઆત કરવા જણાવ્યું છે. ગૌરાંગ પટેલે જણાવ્યું કે, એપીએમસીને સરકાર અન્ય કોઇ ગ્રાન્ટ આપતી નથી. કર્મચારીઓના પગાર સહિતના ખર્ચ માટે આ પ્રકારની આવક પર જ નિર્ભર છે. જેથી બાકી નાણાં સત્વરે મળે તે જરૂરી છે.