દહેગામ મામલતદાર કચેરી ખાતે સવારથી લાઈનમાં ઉભા રહેતા અરજદારો માટે સૌથી વિકટ પ્રશ્ન એ બન્યો છે કે કયા પુરાવા લઈને તેમણે ત્યાં જવું. ગામડાના અભણ લોકો વૃધ્ધો સહિત સ્કુલના બાળકો પણ લાઈનોમાં આધારકાર્ડ કઢાવવા માટે સાત વાગ્યાથી હાજર રહે છે. કારણકે આધારકાર્ડ માટે માત્ર પ૦ જ ફોર્મ આપવામાં આવે છે અને તે પણ જે લોકો પુરાવા લઈને આવે તેને જ ફોર્મ મળે છે.
દુર ગામડાઓમાંથી આધારકાર્ડ કઢાવવા આવતા લોકો જો પુરાવો ન હોય તો ફોર્મ મળતા નથી અને તેમને બીજા દિવસે ધક્કો ખાવાની નોબત આવે છે. ગંભીર બાબત તો એ છે કે મામલતદાર કચેરીમાં આવતા અભણ લોકોને પુરાવા ન હોવાથી વારે ઘડીએ ધક્કા ખાવા પડે છે.
દહેગામ તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં અનેક ખામીઓ છે. એક તો કયા પુરાવા જોઈએ છે તેની કોઈ સચોટ માહિતી માટેનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી.
ગરીબ અને અભણ માણસો કોઈને પુછી અને આધારકાર્ડની લાઈનમાં ઉભા તો રહી જાય છે પણ જ્યારે ફોર્મ લેવાનો વારો આવે છે ત્યારે પુરાવાના અભાવે ફોર્મ અપાતા નથી અને આવેલ અરજદારોને ધક્કો ખાઈને પાછા જવું પડે છે.
ઘણા અરજદારો તો એવા છે જેમની ઉંમરનો પુરાવો હોતો નથી. ઈલેકશન કાર્ડમાં જન્મ તારીખનો ઉલ્લેખ ન હોવાને લીધે તેને માન્ય નથી ગણવામાં આવતું માટે સ્થાનિક સરકારી દવાખાનામાંથી ઉંમરનો પુરાવો કઢાવવો પડે છે. અમુક અરજદારો પાસે સ્માર્ટ કાર્ડ ન હોવાને લીધે જુના ઈલેકશન કાર્ડ લઈ અને આવે છે તો એ કાર્ડ પણ માન્ય નથી તેવું કહી સ્માટ કાર્ડ કઢાવવાનું કહેવામાં આવે છે.
તાલુકાના કેટલાક અરજદારો તો એવા છે કે જેના ફીંગર પ્રિન્ટ સરખા આવતા ના હોવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી. ત્યારે આધારના ચક્કરમાં નિરાધાર બની ગયેલા અને કચેરીના ચક્કર કામી રહેલા આ લોકોની વહારે વચેટીયા અને દલાલો આવે છે અને થોડા પૈસા આપી અને આધારકાર્ડ કઢાવવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી અને આધારકાર્ડ કાઢી આપવામાં મદદરૂપ બનતા હોય છે.