ગાંધીનગર શહેરમાં સમાવિષ્ટ ઇન્દ્રોડા ગામમાં છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાય છે ત્યારે સતત વહેતા દુર્ગંધ યુક્ત ગંદા પાણીના કારણે ગ્રામજનો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. આ અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતાં રોગચાળાના ભય હેઠળ ગ્રામજનો વસવાટ કરી રહ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા સમાવિષ્ટ ઇન્દ્રોડા ગામમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જેના પગલે ગ્રામજનો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. ગામમાં આવેલા બ્રાહ્મણવાસમાં ઉભરાતી ગટરો રહિશો માટે પણ આફત બની છે. આ સમસ્યા અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તેનો કોઇ નિકાલ લાવવામાં નહીં આવતાં આ વિસ્તારમાં વસવાટ કરતાં ઘણા પરિવારોના ઘરે બિમારીના ઘર ઉભા થયા છે. ગટરનું દુર્ગંધ યુક્ત પાણી રોગચાળાને નોતરી શકે તેવી સ્થિતિ સર્જાઇ છે.આ સમસ્યાના પગલે અવર જવર કરતાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવાની નોબત આવી છે.
સતત ગંદા પાણી વહેતા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જવા પામ્યાં છે. જેના પગલે આસપાસના રહિશો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. ગટરો ઉભરાવવાના કારણે રહિશોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. હાલમાં ચોમાસાના દિવસો ચાલી રહ્યાં છે. ત્યારે આ પ્રકારે ઉભરાતી ગટરો રહિશો માટે પણ આફત નોતરશે તેવું હાલની પરિસ્થિતિ ઉપરથી જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.