બિહારમાં મોબ લિન્ચિંગના અહેવાલ આવી રહ્યા છે. છપરાના બનિયાપુર વિસ્તારમાં ભીડે શુક્રવારે ત્રણ લોકોને પશુ ચોરીના આરોપમાં ઢોર માર મારી હત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. મામલામાં પોલીસ તપાસ ચાલી રહી છે. ત્રણેય મૃતકની ઓળખ થઈ ગઈ છે, જેમના નામ રાજૂ કુમાર, દિનેશ કુમાર અને મોહમ્મદ નૌશાદ છે. આ ત્રણેય નજીકના ગામ પૈગંબરપુર અને કન્હૌલીના રહેવાસી છે. નોંધનીય છે કે, ગુરુવારે મધ્ય પ્રદેશના નીમચમાં પણ ભીડે બકરી ચોરીના આરોપમાં ત્રણ લોકોની ક્રૂરતાથી મારઝૂડ કરી હતી.
મળતી જાણકારી મુજબ, સ્થાનિક લોકોએ પશુ ચોરીના આશંકા માત્રથી શુક્રવારની સવારે ત્રણ લોકોની મારી-મારીને હત્યા કરી દીધી. કહેવાય છે કે સ્થાનિક લોકોને પશુ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેઓએ મામલામાં કોઈ પૂરતી માહિતી મેળવ્યા વગર આ લોકો સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું જેના કારણે તેમનું મોત થયું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે. બીજી તરફ મૃતકોના પરિવારો આ ઘટનાથી ઘેરા આઘાતમાં છે.
મૂળે, નંદલાલ ટોલામાં ગત રાત્રે પિકઅપથી આવીને પાળેલા પશુ ચોરી કરવાના આરોપમાં ગામ લોકો હોબાળો કરી એકત્રિત થયા અને આ દરમિયાન ચાર લોકો ટોળાના હાથમાં આવી ગયા. જેમની સાથે ગામ લોકોએ ખૂબ મારઝૂડ કરી. ચોથી વ્યક્તિ ભાગી જવામાં સફળ રહી.
આ મામલામાં પોલીસે ત્રણની ધરપકડ કરી છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. મોબ લિન્ચિંગનો ભોગ બનેલા ત્રણ લોકોનું ગામ ઘટનાસ્થળેથી લગભગ ત્રણ કિમી દૂર છે. ગામમાં પહેલાથી પશુ ચોરીની ઘટનાઓ થઈ રહી હતી.
તે દરમિયાન જ પશુ ચોરીની આશંકામાં પિકઅપને જોઈ લોકોએ ત્રણેયને ચોર સમજીને મારવાનું શરૂ કર્યુ. જેમાં ઘટનાસ્થળે બેનાં મોત થયા અને એકનું હોસ્પિટલ લઈ જતાં મોત થયું.
એસપી હરિ કિશોર રાયે કહ્યું કે, પ્રાથમિક તપાસ પ્રમાણે ત્રણેય યુવકો ગૌત્સકરી માટે ગામમાં આવ્યા હતા. એક ભેંસ પણ ઘટના સ્થળેથી મળી આવી છે. ડીએસપીના નેતૃત્વમાં પોલીસ ટીમ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે દરોડા પાડી રહી છે.