સોનભદ્ર હત્યા કાંડ : પ્રિયંકા વાઢેરાની થયેલી અટકાયત

390

સોનભદ્ર જિલ્લામાં ૧૦ લોકોની જધન્ય હત્યાના મામલામાં ઉત્તરપ્રદેશની રાજનીતિ ગરમ બની ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા આજે ઘાયલોને મળવા માટે વારાણસી પહોંચ્યા હતા. જો કે, તેમને આગળ જવાની મંજુરી મળી ન હતી. સોનભદ્રમાં ઘટનાસ્થળે પહોંચી રહેલા પ્રિયંકા ગાંધીને મિરઝાપુરમાં રોકી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીને ત્યારબાદ ત્યાં જ ધરણા પર બેઠા બાદ કસ્ટડીમાં લઇ લેવાયા હતા.

બીજી બાજુ પ્રિયંકા ગાંધી વાઢેરા અસરગ્રસ્તોને મળવા માટેની જીદ કરી હતી અને પોતાના વલણ ઉપર મક્કમ રહ્યા હતા. સોનભદ્રમાં શૂટઆઉટ બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉમ્ભા ગામમાં જઇને આ ઘટનાના પીડિતોને મળવાની તક આપવામાં આવી ન હતી. પ્રિયંકાને મિરઝાપુર-વારાણસી સરહદની નજીક નારણપુર ગામની પાસે રોકી દેવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધી સોનભદ્ર જનાર હતા પરંતુ વહીવટીતંત્રના અધિકારીઓએ આ વિસ્તારમાં કલમ ૧૪૪ અમલી હોવાના કારણે આગળ વધવાની તક આપી ન હતી. તેમને અટકાયતમાં લઇને ચુનાર ગેસ્ટ હાઉસમાં લઇ જવાયા હતા. ધરણા ઉપર બેઠેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તેઓ સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા ઇચ્છુક હતા. પ્રિયંકા ગાંધીએ ખાતરી આપી હતી કે, માત્ર ચાર લોકોને જ સાથે લઇ જવામાં આવશે છતાં પણ વહીવટીતંત્રએ મંજુરી આપી ન હતી. તેમને રોકવામાં કેમ આવ્યા તેને લઇને ખુલાસો કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી યોગી કંઇપણ કરે તો પણ તેમને મળવાથી રોકી શકશે નહીં. પ્રિયંકા ગાંધી વાઢેરા આજે સવારે વારાણસીના પ્રવાસે પહોંચ્યા હતા. બીએચયુના ટ્રોમા સેન્ટરમાં ઘાયલો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓ સોનભદ્ર જવા ઇચ્છુક હતા. જે લોકોએ આ ઘટનામાં જાન ગુમાવી છે તે લોકોના પરિવારને મળવાની ઇચ્છા પ્રિયંકાએ વ્યક્ત કરી હતી. જો કે તેમને આગળ જવાની તક મળી ન હતી. ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર હત્યાકાંડને લઇને રાજનીતિ ગરમ બની ગઈ છે. આગામી દિવસોમાં આને લઇને હોબાળો જારી રહી શકે છે. ઉત્તરપ્રદેશમાં બગડી રહેલી કાયદો અને ન્યાયની વ્યવસ્થાની સ્થિતિને લઇને વિપક્ષી દળોએ વિધાનસભાની અંદર જોરદાર હોબાળો કર્યો હતો. સમાજવાદી પાર્ટી સહિત અન્ય દળોના નેતાઓએ નારાબાજી કરી હતી. વિપક્ષી સભ્યો વિધાનસભા અધ્યક્ષની ખુરશી સુધી પહોંચી ગયા હતા. ધાંધલ ધમાલ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હત્યાકાંડના મુદ્દે નિવેદન કર્યું હતું. આગામી દિવસોમાં પણ સોનભદ્ર મામલામાં રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

Previous articleબિહારમાં મૉબ લિન્ચિંગઃ ૩ લોકોની માર મારી હત્યા કરી
Next articleદેશભરમાં વરસાદ સરેરાશ કરતા ૧૬ ટકા ઓછો રહ્યો