અમદાવાદ સહિત ગુજરાતમાં મોનસુને બ્રેક લેતા સામાન્ય લોકોની સાથે સાથે તંત્રમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ સુધી ૪૪ ટકા સુધી જ ઓછો વરસાદ નોંધાયો છે. ૧૮મી જુલાઈ સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં ઓછા વરસાદનો આંકડો અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૪૪ ટકા રહ્યો છે. ૧૮મી જુલાઈ સુધીમાં સામાન્યરીતે ગુજરાતમાં ૨૬૧.૨ મીમી સુધીનો વરસાદ થઇ જાય છે પરંતુ હજુ સુધી માત્ર ૧૪૫.૭ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધારે માઠી અસર થઇ છે. અહીં ઓછો વરસાદનો આંકડો ૬૩ ટકા સુધીનો રહ્યો છે. ભારતના હવામાન વિભાગના કહેવા મુજબ આગામી દિવસોમાં કોઇ મોટી હવામાનની વ્યવસ્થાની ગેરહાજરીમાં આગામી પખવાડિયા સુધી ઉલ્લેખનીય વરસાદ થવાની સંભાવના પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી વરસાદી ઝાપટા પડવાની આગાહી ચોક્કસપણે કરવામાં આવી છે પરંતુ ઉલ્લેખનીય વરસાદ થશે નહીં. આ વિલંબના પરિણામ સ્વરુપે રાજ્યને ભારે નુકસાન થઇ શકે છે. ખાસ કરીને જુદા જુદા બંધમાં પાણીની સપાટી નીચે પહોંચી રહી છે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ દક્ષિણ ગુજરાત અને પૂર્વીય પટ્ટામાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સંભાવના ઓછી દેખાઈ રહી છે. જો કે, ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઇ વધારે વરસાદની સંભાવના પણ દેખાઈ રહી નથી.
સામાન્યરીતે મોનસુનમાં બ્રેકની સ્થિતિ જોવા મળતી નથી. સામાન્યરીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મોનસુનની સ્થિતિ ઉલ્લેખનીયરીતે રહે છે એ વખતે ગુજરાતમાં મોટાભાગનો વરસાદ થાય છે. આઈએમડીના અધિકારીઓના કહેવા મુજબ મોનસુનની સ્થિતિ ખુબ જટિલ બની ચુકી છે. વરિષ્ઠ અધિકારીઓના કહેવા મુજબ ગુજરાતમાં વરસાદ સામાન્યરીતે બંગાળના અખાતમાં ઉભેલી સ્થિતિ સાથે શરૂ થાય છે. ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી સાત દિવસ દરમિયાન કોઇ વધારે વરસાદની વાત કરવામાં આવી નથી જે જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ થયો છે તેની વાત કરવામાં આવે તો કચ્છમાં સૌથી માઠી અસર થઇ છે. અહીં ઓછા વરસાદ અથવા તો રેઇન ડેફિસિટનો આંકડો ૮૯ ટકા નોંધાયો છે. આવી જ રીતે અમદાવાદમાં ૬૪ ટકા રેઇન ડેફિસિટનો આંકડો નોંધાયો છે.