ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના દોઢ મહિનો પૂરો થયો છતાં વરસાદ ન થતા ખેડૂતો સહિત સૌ કોઇ પરેશાન છે. હજારો એકરમાં વાવણી થઇ ગયા બાદ મેખમહેર ન થતા સૌ કોઇની હાલત દયનીય બની ગઇ છે. મોટાભાગના જળાશયો ખાલી ખમ થઇ ગયા છે. પાણીનું સંકટ અત્યારથી બિહામણું લાગી રહ્યું છે. પશુ પંખી ઢોર ઢાંખર સૌ કોઇ આસમાન સામે મીટ માંડીને બેઠા છે ત્યારે જલ્દી વરસાદ આવે ધન ધાન્યના ભંડારો ભરાય જાય. મુંગા પશુ પ્રાણીઓને રાહત મળે નદી નાળા છલકાઇ જાય તે માટે આજે રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજે ગેબનશા પીર દરગાહથી ઝુલુસ કાઢી કબ્રસ્તાન પહોંચી વરસાદ માટે દુઆ માંગી હતી.
આ પ્રસંગે ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ જુસબભાઇ ભોકિયા, ઉપપ્રમુખ ઉસ્માનભાઇ ગોરી, ઇસ્માઇલભાઇ ચૌહાણ, રાજુભાઇ વકીલ, કાળુભાઇ જાખરા, રસુલભાઇ કુરેશી, અબ્દુલભાઇ સેલોત, યુનુસ જુણેજા, ઇરફાન ગોરી, ગેબનશા પીર મદરેસાના મૌલાના, ભીખુબાપુ સૈયદ સહિત ભારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.