છેલ્લા પાંચ હજાર કરતાંય વધુ વર્ષોનો ઇતિહાસ ભારતનાં પુરાણોમાં ભંડારાયો છે. એ પ્રાચીન ઇતિહાસનાં અનેક પૃષ્ઠોમાં માનવ ખામીઓની પણ કંઈક વાતો લખાઈ છે. તેમાંય ક્રોધની આગ સૌથી વધુ ભડકતી નિરખાય છે. દુર્વાસા, દુર્યોધન, જયવિજય કે દ્રોપદી જેવા અનેક પ્રાચીન પાત્રોના ક્રોધ અને રોષ-વેરની આગ કેટલો વિનાશ કરી શકતી હતી – તે પુરાણ પ્રસિદ્ધ છે. આજના યુગમાં પણ એડોલ્ફ હિટલરથી લઈને આધુનિક આતંવાદીઓની રોષ-ક્રોધની ભભૂકતી જ્વાળાઓએ જગતની કેવી દુર્દશા કરી છે – તે ઇતિહાસ પ્રસિદ્ધ છે. ઘરઘરમાં રોજ ભડકતી ક્રોધની જ્વાળાઓએ લાખો પરિવારોમાં કલેશ-કંકાસની કેવી વિકૃતિ પેદા કરી છે – તે જગપ્રસિદ્ધ છે.
કહેવાય છે કે ક્રોધનો આરંભ મૂર્ખતાથી થાય છે અને અંત પશ્ચાતાપથી. ચાણક્યનીતિમાં કહ્યું છે કે : ‘સર્વ જયતિ અક્રોધઃ ।’ અર્થાત્ અક્રોધ (શાંત સ્વભાવ) જેને સિદ્ધ થયો તેણે બધું જ જીત્યું છે.’
ક્રોધના શમન માટે ઘણા ઉપાયો સૂચવાયા છે. ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ એ મહામંત્રનું રટણ શરૂ કરી દેવું. એક થી સો સુધી ગણતરી શરૂ કરી દેવી. અરીસા સામે ઊભા રહી જવું, સામેવાળાનું હિત થાય એવા ત્રણ સારા કાર્ય કરવા ઇત્યાદિ.
અબ્રાહમ લિંકને તેમના જીવનના જ એક પ્રસંગ દ્વારા ક્રોધને શમાવવાની એક સુંદર, માર્મિક સલાહ આપી છે. તે જાણવા જેવી છે. તેમના યુદ્ધમંત્રી સ્ટેન્ટને તેમને એકવાર ફરિયાદ કરી કે લશ્કરના એક મેજર જનરલે તેને એક પત્ર લખ્યો છે, જેમાં તેને ગાળો દીધી છે અને લાગવગશાહી ચલાવવાનો આક્ષેપ કર્યો છે. તેણે કહ્યું : ‘હવે મારે શું કરવું ? મારી નસોમાં અત્યારે લોહીને બદલે ક્રોધ જ દોડી રહ્યો છે. આપની શું સલાહ છે ? મારે તેને સામે પત્ર લખવો કે કેમ ?’ લિંકને કહ્યું : ‘ભલા માણસ, એમાં પૂછવાનું શું ? જરાય શોભ કે સંકોચ વિના એક ઝાટકણી કાઢતો પત્ર એને લખી દે. તેને હાડોહાડ લાગે તેવા તીખા તમતમતા શબ્દો વાપરજે.’ સ્ટેન્ટને તો ક્રોધના આવેશમાં પેલાને મરચાં લાગે એવો પત્ર લખી, પ્રમુખ લિંકનને કહ્યું : ‘હવે મને એક પરબીડિંયુ આપો, હું આ પત્ર તેને ટપાલમાં હમણા જ રવાના કરી દઉં.’ ત્યારે અબ્રાહમ લિંકને કહ્યું : ‘ના ભાઈ ના, એમ નહીં. આવો પત્ર લખવાનો જરૂર હોય, તેને રવાના કરવાનો હોય જ નહીં !! જો, હું પણ જ્યારે અન્ય પર ગુસ્સે થાઉં છું ત્યારે એ પત્રને સગડીમાં સળગાવી દઉં છું !! પત્રમાં ગુસ્સો ઠાલવી દઈએ એટલે આપણને રાહત થઈ જાય. જો પત્ર લખવો જરૂર પરંતુ તે પત્રનું સરનામું ન લખાય, રવાના ન કરાય.’ કેવી અમૂલ્ય સલાહ છે !
ક્રોધ જીતવાનો એથી પણ મોટો ઉપાય શાસ્ત્રોએ જણાવ્યા છે તે અક્રોધી એવા સંતપુરુષોનો સમાગમ. એકવાર સન્ ૧૯૮૪માં એક સંત વ્યાકરણ શાસ્ત્રીની પ્રથમ ખંડની પરીક્ષામાં અનુતીર્ણ થયા. પરંતુ આ વાત પ્રમુખસ્વામી મહારાજને કેવી રીતે જણાવવી ? ઘણું બધુ મનોમંથન કરી તેમને પત્ર લખી ક્ષમાયાચનાનું સાહસ કર્યું. થોડા દિવસો બાદ પ્રમુખસ્વામી મહારાજનો અમેરિકાથી સામો પત્ર આવ્યો. કવર ખોલતા સંતના હાથ ધ્રૂજતા હતા. અંદર ઠપકાના આકરા શબ્દો હશે, એ ઘબરાટ સાથે પત્ર ખોલીને વાંચ્યો. તેમાં લખ્યું હતું. ‘શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસના જય સ્વામિનારાયણ. વિ. આપ ડાબી તરફથી પાસ થયા છો તો આશીર્વાદ છે. હવે બળ રાખી ફરી પ્રયત્નો કરશો…શાંતિ રહે તેવા આશીર્વાદ છે.’
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત સારંગપુર ૧૮, ગઢડા પ્રથમ ૫૮, ગઢડા પ્રથમ ૭૩માં આવા મોટાપુરુષને નિર્દોષ જાણી તેમના ગુણ ગ્રહણ કરવાથી પોતે પણ ક્રોધાદિક સર્વ વિકારોથી રહિત થઈ જાય છે, એવો સરળ અને સુગમ ઉપાય બતાવ્યો છે. તો ક્રોધ જીતવાના આ સરળ ઉપાયોને અપનાવીએ અને શાંતિના મહાસાગરને પામીએ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના.(ક્રમશઃ)