ભારતની ટોપ મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સુપર સિરીઝ પ્રીમિયર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. ૨૪ વર્ષની સ્ટાર શટલરે સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-૩ ચીનની ચેન યૂ ફેઈને માત્ર ૪૬ મિનિટમાં ૨૧-૧૯, ૨૧-૧૦થી પરાજય આપ્યો હતો.
વર્લ્ડ નંબર-૫ સિંધુએ આ જીતની સાથે ચેન યૂ ફેઈ વિરુદ્ધ પોતાના કરિયરનો રેકોર્ડ ૫-૩નો કરી લીધો છે. આ સાથે સિંધુ સાઇના નેહવાલ બાદ ઈન્ડોનેશિયા ઓપનનું મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બનવાથી એક ડગલૂ દૂર છે.
હવે રવિવારે ફાઇનલમાં સિંધુનો મુકાબલો જાપાનની વર્લ્ડ નંબર-૪ અકાને યામાગુચી સામે થશે. તેણે વર્લ્ડ નંબર-૧ તાઇવાનની તાઇ જુ યિંગને ૨૧-૯, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો. યામાગુચી વિરુદ્ધ સિંધુનો ૧૦-૪નો કરિયર રેકોર્ડ છે.
સિંધુએ વર્લ્ડ નંબર-૨ જાપાનની નોઝામી ઓકુહારાને ૨૧-૧૪, ૨૧-૭થી હરાવીને ઈન્ડોનેશિયા ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શુક્રવારે રમાયેલી મહિલા સિંગલના સેમિ ફાઇનલ મેચમાં તેણે ઓકુહારાને ૪૪ મિનિટમાં પરાજય આપ્યો હતો.