બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ તેની કેળવણી નાની ઉંમરમાંથી થાય તે માટે આંગણવાડી કાર્યરત છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ૨૨ જેટલી આંગણવાડી આવેલી છે. તેમાંથી આઠ આંગણવાડીમાં દોઢેક માસથી વીજબીલ ન ભરવાના કારણે કનેકશન કપાઇ જતાં આવી કાળઝાળ ગરમીમાં માસુમ બાળકોને ગરમીમાં બેસવાની ફરજ પડી રહી છે.
દહેગામ નગર પાલિકા વિસ્તારમાં મોટા ભાગની આંગણવાડી સરકારી તો કેટલીક ખાનગી મકાનોમાં કાર્યરત છે. આ પૈકી આઠ આંગણવાડી કેન્દ્રોના વીજબીલ ન ભરાતા વીજ કનેકશન કાપી નાંખવામાં આવતાં હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં માસુમ ભૂલકાઓને ગરમીમાં બેસવાની ફરજ પડી રહી છે. ગરમીના કારણે કેટલાક બાળકો અકળાઇ સતત રડતા હોવાથી કેટલાક માતા પિતા તેમના બાળકને આંગણવાડીમાં મોકલવાનું ટાળ્યુ છે. તો કેટલાક બાળકોના ભાઇ બહેન સાથે આવી તેમને ગરમીના લાગે તે માટે પેપર પુંઠા કે કપડા વડે પવન નાંખી આંગણવાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. સરકારની આંગણવાડીના જ કનેકશન કપાઇ જતાં કેટલાય માતા પિતા તંત્ર સામે રોષ ઠાલવી વીજ પુરવઠો તાત્કાલિક અસરથી શરૂ થાય તેવું ઇચ્છી રહ્યા છે.
આ અંગે દહેગામ નગર પાલિકા વિસ્તારની આંગણ-વાડીઓમાં વીજ કનેકશન કપાઇ જવા અંગે સીડીપીઓ ઉર્મિલાબેન મકવાણાને પૂછતાં તેમણે જણાવ્યુ હતુ કે આંગણવાડીના વીજબીલ હવે સરકાર અને એનજીઓ દ્વારા વીજ કચેરીને ડાયરેકટ ચૂકવણું કરવાનો પરિપત્ર છે. આ પ્રશ્ન મારા ધ્યાને આવતાં હું વીજ કચેરીમાં રૂબરૂ જઇ જે આંગણવાડીમાં વીજ કનેકશન કપાયા છે. ત્યાં જલ્દીથી વીજ પુરવઠો ચાલુ થાય તેવો પ્રયત્ન કરીશ.આ રીતે દહેગામમા આવેલી વિવિધ આઠ આંગણવાડીના કનેકસન કપાઈ જતા હાલ આ આંગણવાડીના ભુલકાઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
દહેગામની આંગણવાડીમાં વીજ કનેકશન કપાઇ ગયા હોવા અંગે યુજીવીસીઅએલના ડે. ઇજનેર એન એચ પટેલે જણાવ્યુ હતુ કે જેતે વિસ્તારના અન્ય લોકોના ડીસ્કનેકશન લીસ્ટમાં આંગણવાડીનું નામ આવ્યુ હોવાથી કનેકશન કપાઇ ગયુ હશે. છતાં જે આંગણવાડીમાં કનેકશન કપાયા છે, તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.