યુવાનની હત્યા કરીને લૂંટ કરનાર ત્રણ લૂંટારૂ ઝડપાયા

572

ગાંધીનગર નજીક છત્રાલના ધાનોટ પાસે દસ દિવસ અગાઉ પરપ્રાંતિય યુવાનને લુંટના ઈરાદે હત્યા કરીને ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હતા જેના પગલે ગાંધીનગર એલસીબીની ટીમે આ આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી હતી અને તેરસા પરા ચાર રસ્તા પાસેથી બાઈક સવાર ત્રણ ઈસમોને ઝડપી પાડી આ લૂંટ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીઓ પાસેથી ૪૬ મોબાઈલ, બાઈક અને રોકડ મળી ૧.૬૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસની હદમાં ધાનોટ ગામની સીમમાં ગત તા.૧૦ જુલાઈના રોજ ક્રિષ્નારામ ચીમ્મારામ બિસ્નોઈની તિક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને પાકીટ અને મોબાઈલની લૂંટ કરી લુંટારૂઓ ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેના પગલે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ સ્થળતપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી પીઆઈ નીરજ પટેલને સુચના આપી હતી.

જેના પગલે એલસીબીની ટીમ દ્વારા બાતમીદારોને સક્રિય કરી આ ગુનાનો ભેદ ઉકેલવા દોડધામ કરવામાં આવતી હતી. દરમ્યાનમાં એલસીબીના કો.રાજવીરસિંહ અને વિજયસિંહને બાતમી મળી હતી કે તેરસાપરા ચોકડી પાસેથી જીજે-ર-ડીબી-૭૧૩૫ નંબરના બાઈક ઉપર ત્રણ ઈસમો લૂંટમાં મેળવેલા મોબાઈલ વેચવા માટે જઈ રહયા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને આ ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા.

જેમાં અજય ઉર્ફે ગટીયો રામજીભાઈ વાઘેલા રહે.કડી, શકરપુરા મંડીવાસ, શાહરૂક મીરખાનભાઈ ચૌહાણ રહે.રાજપુર ગામ તા.કડી અને વસીમ ઉર્ફે શાહીદ ઈજામુદ્દીન ઘોરી રહે.બાવલુ, તા.કડીનો સમાવેશ થાય છે. આ આરોપીઓની તપાસ કરતાં તેમના થેલામાંથી ૪૬ નંગ મોબાઈલ ફોન અને રોકડા ૧પપ૦૦ મળી આવ્યા હતા.

જે રોકડ સંદર્ભે પુછપરછ કરતાં તેમણે કહયું હતું કે છત્રાલ, કડી-છત્રાલ રોડ, નાની કડી, નંદાસણ જેવા વિસ્તારોમાં આવતા જતા લોકોને છરી બતાવી લૂંટ કરી હતી અને ધાનોટમાં પણ લૂંટ વીથ મર્ડર કર્યું હોવાની કબુલાત કરી હતી. અગાઉ આ આરોપીઓએ તેમના સાગરીતો સાથે મળીને ૪પ જેટલા ગુનાઓ આચર્યા હતા અને તેમાંથી આઠ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હતા. આરોપીઓની પુછપરછમાં લૂંટના વધુ ગુના પણ ઉકેલાવાની શક્યતા સેવાઈ રહી છે.

Previous articleદહેગામ પાલિકાએ દોઢ માસથી બિલ નથી ભર્યુ, આંગણવાડીનુ વીજ જોડાણ કપાતાં બાળકો હેરાન
Next articleઅમદાવાદમાં સિટી કેબ્સ સર્વિસ શરૂ, ઓલા-ઉબેર કરતા સસ્તા દરે મુસાફરી કરી શકાશે