અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવાના મ્યુનિ.તંત્રના પ્રયાસોના ભાગરૂપે આજે શહેરના તમામ ઝોનમાં મલેરિયા વિભાગ દ્વારા મોટાપાયે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે શુક્રવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ હોસ્પિટલોને સકંજામાં લઇને નોટિસ-દંડ ફટકારાયા હતા. ઉપરાંત બાંધકામ સાઇટો, મોલ-કોમ્પ્લેક્ષોને પણ દંડાયા હતા. જેમાં બે એકમોને સીલ કરી દેવાયા હતા. ૨૬૨ એકમોમાં ચકાસણી કરાઇ હતી. જેમાં ૧૦૬ એકમોને નોટિસ અપાઇ હતી. જેમાંથી ૩૬ એકમો પાસેથી કુલ ૪.૮૦ લાખનો દંડ વસુલ કરાયો હતો. મચ્છરોના બ્રિડિંગ મળી આવવાના મામલે આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલડીમાં મેડિમેક્સ એડવાન્સ રેડિયો ઇમેજિંગ સેન્ટર અને ઓઢવમાં અવધ રેસીડેન્સી ( બાંધકામ સાઇટ)ને સીલ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલોમાં ધાબા પરથી, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકીમાં, ભોંયરામાં, કંપાઉન્ડમાં પડેલા બકેટ, પક્ષીચાટ, ભંગારમાં અને કુલર સહિતના ભાગોમાંથી મચ્છરોના બ્રિડીંગ મળી આવ્યા હતા.
પૂર્વ ઝોનમાં ૪૮ એકમોની ચકાસણી કરાઇ હતી. જેમાં ૨૫ એકમોને નોટિસ અપાઇ હતી. જેમાં તેઓની પાસેથી ૧,૯૮,૪૦૦ રૂપિયાનો દંડ વસુલાયો હતો. વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલી સ્વયંભુ હોસ્પિટલને સૌથી વધુ ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
નોંધપાત્ર છેકે મ્યુનિ.તંત્ર મચ્છરજન્ય રોગચાળાના મામલે વિવિધ બાંધકામ સાઇટો, હોસ્પિટલો, મોલ-કોમ્પ્લેક્ષોને સીધા જવાબદાર ઠેરવીને દંડી રહ્યું છે. તકેદારી અને સતર્કતા માટે તે જરૂરીપણ છે. પરંતુ બીજાની ભુલો શોધીને દંડનાર મ્યુનિ.તંત્રને તેની બેદરકારી માટે કોણ દંડશે તે પ્રશ્ન હાલ શહેરમાં ચર્ચાઇ રહ્યો છે.
મ્યુનિ.તંત્રની બેદરકારીના કારણ ઉભરાતી ગટરો , આવતું દુષિત પાણી, કચરાના ઢગલાઓ શહેરમાં જોવા મળી રહ્યા છે. આ સમસ્યાના ઉકેલમાં મ્યુનિ.તંત્રનો પનો ટૂકો પડી રહ્યો છે. ગટરોના પાણી રોડ પર ભરાઇને પડી રહે છે. જેમાં મચ્છરો પેદા થાય છે અને રોગચાળો ફેલાવે છે. તેની સામે કેમ મ્યુનિ.તંત્ર ચૂપ છે તે પ્રશ્ન શહેરીજનો પુછી રહ્યા છે. વર્ષ ૨૦૨૨ સુધી ગુજરાતને મલેરિયા મુક્ત કરવાના મિશન પર સરકાર કામ કરી રહી છે ત્યારે સરકારે વહિવટીતંત્રમાં રહેલી ખામીઓ દુર કરવી જ રહી ત્યારે આ ઝૂંબેશ પાર પડી શકે તેમ છે.