છ રાજ્યોમાં નવા રાજ્યપાલની વરણી

397

રાજકીય ઘટનાક્રમના દોર વચ્ચે આજે છ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી હતી. કેટલાક રાજ્યપાલોની બદલી કરવામાં આવી હતી. કુલ છ રાજ્યપાલોની નિમણૂંક માટેની સુચના આજે જારી કરવામાં આવી હતી. આનંદીબેન પટેલને ઉત્તરપ્રદેશના નવા રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામનાઈક, પશ્વિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને નાગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ આચાર્યની અવધી પરિપૂર્ણ થઈ ચુકી છે. આનંદીબેન પટેલ હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. હવે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળશે. પાંચ અન્ય રાજ્યોમાં પણ આગામી બે મહિનામાં રાજ્યપાલો નિમણૂંક થનાર છે. જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવની અવધિ ૨૯મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થઈ રહી છે. જ્યારે ગોવાના રાજ્યપાલની અવધિ ૩૦મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થઈ રહી છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની અવધિ ૩૧મી ઓગસ્ટના દિવસે પૂર્ણ થશે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહની અવધિ ત્રીજી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. લાલજી ટંડનને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ તરીકે ફાગુ ચૌહાન લાલજી ટંડનની જગ્યા લેશે. જગદીપ ધનકડને પશ્ચિમ બંગાળના અને રમેશ બૈસને ત્રિપુરાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય આરએન રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લાલજી ટંડનનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૩૫માં થયો હતો. તેઓ ભાજપના સીનિયર નેતા છે. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૯માં રાજનીતિમાં સંન્યાસ લીધા પછી તેઓ લખનઉથી ૨૦૦૯માં લોકસભા સંસદ ચૂંટાયા હતા. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં સક્રિય રહેતા ટંડન પ્રદેશની ભાજપ સરકારમાં પણ મંત્રી રહ્યા હતા. લાલજી ટંડનની રાજકીય શરૂઆત ૧૯૬૦માં થઈ હતી.

માયાવતી અને કલ્યાણ સિંહની કેબિનેટમાં તેઓ નગર વિકાસ મંત્રી રહ્યા હતા. અમુક વર્ષો સુધી તેઓ વિપક્ષના નેતા પણ રહ્યા હતા. લાલજી ટંડને જેપી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ૨૧ જાન્યુઆરી ૧૯૪૧માં જન્મેલા આનંદીબેને જાન્યુઆરી ૨૦૧૮માં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ રાજ્યના બીજા મહિલા રાજ્યપાલ હતા. આ પહેલા સરલા ગ્રેવાલ માર્ચ ૧૯૮૯થી ફેબ્રુઆરી ૧૯૯૦ સુધી આ રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા. આંનદીબેન ૧૯૯૮માં ભાજપમાં સામેલ થયા હતા. ૧૯૯૫માં શંકર સિંહ વાઘેલાએ જ્યારે પાર્ટી છોડી ત્યારે તે કપરા સમયમાં તેમણે નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું હતું. ૧૯૯૮માં ગુજરાત કેબિનેટમાં આવ્યા પછી તેમણે શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ જેવા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. મે ૨૦૧૪થી ઓગસ્ટ ૨૦૧૬ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી ન લડવાના નિર્ણય પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેઓ મધ્યપ્રદેશના બીજા અને કુલ ૨૭માં મહિલા ગવર્નર હતા.

Previous articleસોનભદ્ર જવા માટે જિદ્દ વચ્ચે પ્રિયંકા આખરે પિડિતોને મળ્યા
Next articleદ્દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનુ ૮૧ વર્ષની વયે નિધન