ભાજપ સરકાર સર્વે કરાવીને ખેડૂતોને હવે પાક વીમો આપે

475

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલી જિલ્લાના પંથકોમાં વિવિધ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. વરસાદ ખેંચાતા અને પાણીની અછત વચ્ચે સૂકાઇ રહેલા અને નિષ્ફળ ગયેલા પાકને લઇ ધાનાણી ભારે વ્યથિત થયા હતા અને ઉગ્ર માંગણી કરી હતી કે, ભાજપ સરકાર વિધાનસભા છોડી ખેડૂતોના ખેતરોમાં આવે અને રાજયભરમાં ખેડૂતોનો સર્વે કરાવી તેઓને તાત્કાલિક યોગ્ય પાક વીમાની રકમ ચૂકવે. આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલીના વડીયા પંથકમાં ખેડૂતોની મુલાકાતે આવી પહોંચ્યા હતા.

જ્યાં તેમણે ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની વ્યથા જાણીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સરકારને ખેડૂતોના પાક વીમા મુદ્દે ઉગ્ર રજૂઆત કરશે. ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને દવાની ખરીદી કરી છે. વાવણી થઈ ત્યારથી હજુ સુધી વરસાદ પડ્‌યો નથી. જેને લઈને જમીનો સુકાઈ રહી છે. મગફળીના ઉભા છોડ સુકાઈ રહ્યાં છે અને કપાસ પણ સુકાઈ રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમ છતાં રાજ્ય સરકાર વિધાનસભામાં વાહવાહી કરી રહી છે. આંધળી, બેરી અને મુંગી સરકારને મારી એટલી જ વિનંતી છે કે, વિધાનસભા છોડી ક્યારેક ખેતરમાં આવે અને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને પાક વીમો ચૂકવે. પરેશ ધાનાણી તરફથી જુદા જુદા વિષય ઉપર વાત કરવામાં આવી હતી. ખેતરોમાં પહોંચીને કોંગ્રેસના નેતાએ વધુ માહિતી મેળવી હતી. સાથે સાથે રજુઆતો પણ કરી હતી.

Previous articleબાવળા-સાણંદ ચોકડી પાસે અકસ્માત : બે બાળકના મોત
Next articleનડ્ડાનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત : નડ્ડા પ્રભાવિત