પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર- સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પરમ ધન્યતાનો ભાવ વ્યકત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીશજી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સવારે હેલિકોપ્ટર ધ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચતા ભાજપાના પ્રદેશ અગ્રણીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ તથા હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ નડ્ડાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે નડ્ડાનું સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન જેપી નડ્ડાએ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલી આપીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી.
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા આજે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોચ્યાં ત્યારે તેમના કરાયેલા ભવ્ય સ્વાગત બાદ હેલીપેડ નજીકના સ્થળે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા નડ્ડાએ જણાવ્યું હતું કે, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સ્વીકાર્યા બાદ ગુજરાત રાજયની મારી પહેલી મુલાકાતમાં જ અહીં આવવાનું બન્યું તે મારા જીવનનો અત્યંત સૌભાગ્યશાળી પ્રસંગ છે. અહીં આવીને હું અત્યંત ખુશીની લાગણી અનુભવું છું તેમ જણાવી નડ્ડાએ ઉમેર્યું હતું કે, દેશની સ્વતંત્રતા ચળવળ તેમજ આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણ માટે સરદાર સાહેબનું યોગદાન કયારેય ભૂલી શકાય તેમ નથી. આધુનિક ભારતનું સર્જન કરનાર સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબ લોકસેવક તરીકે દરેક વ્યકિત માટે એક આદર્શ વ્યકિતત્વ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આજે માં નર્મદાના પવિત્ર તટ પર સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ ધામ આઝાદ ભારતનું તીર્થ સ્થાન બની ગયું છે. દેશની સ્વતંત્રતા ચળવળ દરમિયાન અને દેશની આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. જેના લીધે આજે આધુનિક-સશકત ભારતનું નિર્માણ થયું છે. આ સ્મારક સ્થળ એક પ્રેરણાસ્ત્રોત બની રહયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભારત દેશને હજી પણ વધુ સમૃધ્ધ બનાવવા માટે સૌ કોઇને સંકલ્પબધ્ધ થવાનું તેમણે આહવાન કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો વિચાર અને તેના સંકલ્પબધ્ધ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જેપી નડ્ડાએ આદરપૂર્વક યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પ્રતિમાનું નિર્માણ એ એક કલ્પનાતિત કાર્ય છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આધુનિક અને આઝાદ ભારતનું તીર્થ સ્થાન બન્યુ છે.