પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુ.કોંગ્રેસ દ્વારા ધરણાં

541

સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે આજે જોરદાર ધરણાં-દેખાવોના કાર્યક્રમો યોજ્યા હતા. આ પ્રદર્શન દરમ્યાન કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા રસ્તા રોકવાનો કાર્યક્રમ આપવાનો પણ પ્રયાસ થતાં એક તબક્કે પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, શહેર પ્રમુખ, શશિકાંત પટેલ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની અટકાયત કરી હતી અને તેઓને વેજલપુર પોલીસમથક લઇ જવાયા હતા. જેને પગલે કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ વેજલપુર પોલીસમથક ખાતે પણ ઉગ્ર વિરોધ અને દેખાવો કર્યા હતા. બીજીબાજુ, પોલીસની દમનકારી નીતિનો વિરોધ કરવા કોંગ્રેસના નેતાઓ વેજલપુર પોલીસમથકમાં જ ધરણાં પર બેસી ગયા હતા અને પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.

કોંગ્રેસના આજના વિરોધ પ્રદર્શન અને દેખાવોના કાર્યક્રમ દરમ્યાન એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા કોંગ્રેસના એક-બે કાર્યકરને ઇજા થઈ હતી. કોંગ્રેસ દ્વારા પોલીસે બેરહમીથી લાઠીચાર્જ કરી ભાજપ સરકારના ઇશારે દમન કર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના એક કાર્યકરની તબિયત લથડતા તેને વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સોનભદ્ર નરસંહારના મૃતક પરિવારોની મુલાકાતે જઈ રહેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ભાજપ સરકારના ઈશારે સ્થાનિક પોલીસ દ્વારા ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસ તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. દરમ્યાન કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું કે, દેશમાં ભાજપનું જ્યાં જ્યાં શાસન છે ત્યાં ત્યાં લો અને ઓર્ડરની સ્થિતિ બગડી રહી છે. ભાજપ દમનકારી નીતિ અપનાવી રહી છે. જો સરકારનાં કામમાં ફરક નહીં આવે તો અમે વારંવાર રસ્તા રોકો આંદોલન કરીશું. અમે તેમની સામે ઉભા રહીશું. ઉલ્લેખનીય છે કે, સોનભદ્રમાં એક જમીન વિવાદમાં ગામના સરપંચ અને તેમના ટેકેદારોએ સામેના જૂથ પર ગોળીબાર કરતાં ૧૦ લોકોનાં મોત થયા હતાં. જેને પગલે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શુક્રવારે સોનભદ્ર જતાં અટકાવાયા હતા. પરંતુ તેઓ ટેકેદારો સાથે રોડ પર જ બેસી જતાં તેમને એક ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા હતા. પાલડી કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં તમામ નેતાઓ જોડાયા હતા. ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. મહિલા પોલીસે મહિલા કાર્યકરોને રોકવા માટે પ્રયાસો કર્યા હતા. આ ગાળા દરમિયાન તંગદિલી ફેલાઈ હતી.

Previous articleઢીલા કર્મી.ઓ હવે LCBમાં નહીં મુકાય : DGP
Next articleસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો