મધ્યપ્રદેશ સરકારે નર્મદા પાણી ગુજરાતમાં બંધ કરાતાં વિવાદ

1134

નર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે બહુ મોટો વિવાદ સર્જાયો છે. જેમાં મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા વીજળીના મુદ્દે નર્મદાનું પાણી બંધ કરી દેવાતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિફર્યા હતા અને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પર આજે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદાના પાણીની વહેંચણી ૧૯૭૯ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી. મુખ્યમંત્રીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, નર્મદાના મુદ્દે મધ્યપ્રદેની કોંગ્રેસ સરકારનું લોકો સાથેનું અહિત કરવાની વૃત્તિ છતી થાય છે, અગાઉ નર્મદા યોજના પુરી ન થાય એ માટે કોંગ્રેસે પ્રયત્નો કર્યા હતા. પાણી સાથે કોંગ્રેસ રાજકારણ રમવાનું કામ કરે છે. મધ્યપ્રદેશના મંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપું છું કે, નર્મદાના પાણી પ્રશ્ને રાજકારણ ન કરે. નર્મદાના પાણીની વહેંચણી ૧૯૭૯ના ચુકાદાથી કરવામાં આવી છે, જેમાં ફેરફાર કરવાનો કોઈ રાજ્યને અધિકાર નથી. સરદાર સરોવર બંધમાં ૨૫૦ મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદાની મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. આ વીજ ઉત્પાદનનો ૫૭ ટકા હિસ્સો મધ્યપ્રદેશને આજે મળે છે. મધ્યપ્રદેશ સરકાર રાજકીય બદઈરાદાથી આ બધું કરી રહી છે. મધ્યપ્રદેશ સરકાર ચેતવણી કે ધમકી આપે તે યોગ્ય નથી. ગુજરાત કોંગ્રેસે પણ તેનો જવાબ આપવો જોઈએ. આ પ્રકારની વાતો કરવી કમલનાથજી અને તેમના લોકોને શોભતું નથી. કોર્ટના આદેશ મુજબ કામ કરવું જોઈએ. આ ગુજરાત સરકારનો અધિકાર છે, ૨૦૨૪ સુધી કોઈ એકબીજાને ઓછું પાણી ન આપી શકે. હક છે જે મળીને જ રહેશે. ૪૦ વર્ષમાં પહેલીવાર આવું થયું છે. ૪૦ વર્ષથી ચારેય રાજ્યો સાથે મળીને જ નિર્ણય લે છે. કોંગ્રેસ વખતે ગુજરાતને અન્યાય થતો આવ્યો છે. આ પહેલા પણ નર્મદાની ઉંચાઈ વખતે નરેન્દ્રભાઈ લડ્‌યા હતા. કોંગ્રેસની માનસિકતાથી બધા વાકેફ છે. એનો જ ભાગ મધ્યપ્રેદેશમાં દેખાય છે. તા.૧૫ એપ્રિલ,૨૦૧૯થી બધા રાજ્યોની ભાગીદાર રાજ્યો સાથે સહમતિથી નિર્ણય કર્યો છે.

મધ્યપ્રદેશના હિત વિરુધ્ધ ગુજરાત કોઈ કાર્ય કરતું નથી. આમ, નર્મદા મુદ્દે હવે મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર ફરી એકવાર આમને સામને આવી જતાં વિવાદ જોરદાર રીતે ગરમાયો છે.

Previous articleસૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો
Next articleગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં ભાવેણાના સુનિલભાઇ વડોદરીયાની નિયુક્તિ