સુપ્રિમના આદેશ બાદ હવે ત્રણ ફૂટ હાઇટ ધરાવતો ગણેશ બનશે ડૉક્ટર

817

પરીસ્થિતી જીવનની કોઈપણ હોય ક્યારેય ડગવું નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ પ્રકારની વાતો અને કહેવતો આપણે આપણા વડીલો અને પુસ્તકો પાસેથી શીખી છે. હકીકતમાં ખરો માણસ એ જ કહેવાય કે પોતાની નબળાઈઓને પગથીયું બનાવીને પોતાની મંજીલ તરફ પગલા માંડે. ઘણા લોકો હોય છે કે જેઓ પોતાની શારીરિક ખામીને પોતાના જીવનનો પ્લસ પોઈન્ટ બનાવીને જીવતા હોય છે, આવા લોકો સમાજ માટે પ્રેરણારુપ હોય છે.

આજે એવા જ એક વ્યક્તિની વાત કરવી છે. વાત છે ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા, ૧૮ વર્ષીય ગણેશભાઈ બારૈયાની. આ માણસની હાઈટ માત્ર ૩ ફૂટ છે અને તેમનું વજન માત્ર ૧૫ કિલો છે અને તેમનો અવાજ પણ નાનકડા બાળક જેવો છે. આ વ્યક્તિએ ગિનીઝ વર્લ્ડ રેકોડ્‌ર્સમાં દુનિયાના સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે જીવનમાં આવેલા દરેક પડકારોનો સામનો કર્યો. ગણેશનું સ્વપ્ન હતું કે તેઓ ડોક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. પરંતુ તેમના આ સ્વપ્નને ત્યારે ઝાટકો લાગ્યો કે જ્યારે માત્ર હાઈટ અને વિકલાંગતાના કારણે તેમને રાજ્ય સરકારે એમબીબીએસમાં એડમિશન લેવાની મંજૂરી ન આપી. જો કે ગણેશે હાર ન માની અને કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય કર્યો. તેઓ હાઈકોર્ટ ગયા. પણ ત્યાં પણ તેમને નિરાશા હાથ લાગી. ત્યારબાદ ગણેશ સુપ્રીમ કોર્ટમાં પોતાની લડાઈ લડ્યા. હવે સુપ્રીમ કોર્ટે તેમના હિતમાં નિર્ણય આપ્યો છે અને આ સાથે જ તેમના ડોક્ટર બનવાના સ્વપ્નને પાંખો મળી ગઈ છે.

Previous articleજાફરાબાદ સરકારી દવાખાના દ્વારા વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી
Next articleBOBના સ્થાપના દિન નિમિત્તે બાઇક રેલી