બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાએ થોડાક દિવસ પહેલા દિલ્હીના એક બિઝનેસમેન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં હવે બિઝનેસમેને ઇશા ગુપ્તા પર ક્રિમિનલ ડિફેમેશન (માનહાનિ)નો કેસ કર્યો છે. બિઝનેસમેન રોહિત વિગે તેના વકીલ વિકાસ પહવા દ્રારા ઇન્ડિયન પીનલ કોડના સેક્શન ૪૯૯ અને ૫૦૦ અંતર્ગત સાકેત કોર્ટમાં કેસ નોંધાવ્યો છે.
અરજીકર્તાએ કહ્યું છે કે તેની ફરિયાદ નોંધવામાં આવે અને કાયદા મુજબ અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. તેની સાથે જ તેને આ માનહાનિ માટે યોગ્ય વળતરની પણ માંગણી કરી છે. કોર્ટે ફરિયાદ નોંધીને ૨૮ ઓગસ્ટે આ મામલાની સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.
તેની અરજીમાં ફરિયાદકર્તાએ કહ્યું, આરોપ લગાવ્યા બાદ ફરિયાદકર્તાને સતત નજીકના લોકો, ફ્રેન્ડ્સના સંપર્ક અને પરિવારના લોકોને આ ફરિયાદ પર નાખુશી વ્યક્ત કરવાથી માનસિક પીડાનો સામનો કરવો પડી રહ્યો છે. પબ્લિકમાં ઘણા લોકો ફરિયાદકર્તા પર શક કરી રહ્યા છે જેનાથી તેના સમ્માનને ઠેષ પહોંચી છે.
જણાવી દઇએ કે ૬ જુલાઇએ ઇશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર ઘણા ટિ્વટ કરતા રોહિત વિગ પર ખોટી રીતે વ્યવહાર કરવાના આરોપ લગાવ્યા હતા. તેને આ દરેક આરોપ રોહિતનું નામ લેતા અને તેના ફોટો શેર કરતા લગાવ્યા હતા.