ભારતના સ્ટાર બોક્સર શિવ થાપાએ કઝાકિસ્તાનના નૂર સુલતાનમાં રમાયેલા પ્રેસિડેન્ટ કપમાં શનિવારે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો.
આ ટુર્નામેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. થાપાએ પોતાના વર્ગમાં ૬૩ કિગ્રા કેટેગરીમાં આ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ટુર્નામેન્ટની શરૂઆત ૨૦૦૬માં થઈ હતી. ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ છે. આ ટુર્નામેન્ટમાં અગાઉ ભારતીય ખેલાડીઓ એક સિલ્વર અને બે બ્રાન્ઝ સાથે કુલ ચાર મેડલ મેળવી ચૂકયા છે.
ફાઇનલમાં થાપાનો સામનો બે વખતના એશિયન કોન્ફેડરેશન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર કઝાકિસ્તાનના ઝાકિર સેફુલીન સામે થયો હતો. જો કે ઝાકીરને સેમિફાઇનલ મેચ દરમિયાન ઇજા થઇ હતી, આ કારણે વોકઓવર મળતા ફાઈનલમાં થાપાને વિજેતા જાહેર કરાયો હતો. શિવ થાપાએ પહેલી સેમિફાઇનલમાં કિર્ગિસ્તાનના આર્ગોન કાદરીબેકુલુ ને ૪-૧ થી હરાવ્યો હતો. ટ્રાયલ્સમાં પરાજયના કારણે વિશ્વ ચેમ્પિયનશિપ ટીમમાંથી શિવ થાપાએ પોતાનું સ્થાન ગુમાવ્યું હતું.
મહિલા વર્ગમાં પ્રવીણને ૬૦ કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો. ભારત ઓપનમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ૧૯ વર્ષની પ્રવીણનો ફાઇનલમાં કઝાકિસ્તાનની રિમા વોલોસેન્કો સામે ૦-૫ થી પરાજય થયો હતો.