ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન સુપર ૧૦૦૦ ટૂર્નામેન્ટના ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે એક પણ મોટી જીત બેડમિન્ટનમાં ભારતને મળી નથી. રવિવારે રમાયેલા મહિલા સિંગલ્સ ફાઇનલ મેચમાં જાપાનની અકાને યામાગુચીએ ૨૧-૧૫, ૨૧-૧૬થી મેચ જીત્યો હતો.
બન્ને ખેલાડીઓ વચ્ચે આ મુકાબલો ૫૧ મિનિટ ચાલ્યો અને સિંધુને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. પહેલી ગેમમાં સિંધુની શરૂઆત દમદાર રહી અને એક સમયે સ્કોર ૮-૮ની બરાબરી પર હતો. ત્યારબાદ સિંધુએ ૧૧-૮થી લીડ મેળવી લીધી હતી.
જોકે વર્લ્ડ નંબર ૪ જાપાનની ખેલાડીએ દમદાર કમબેક કરીને સિંધુને કોઇ મોકો ન આપ્યો અને ગેમ ૨૧-૧૫થી જીતી લીધી. બીજી ગેમમાં પણ સિંધુએ યામાગુચીને ટક્કર આપી પણ જીત ન મળી. સેમીફાઇનલમાં સિંધુએ શાનદાર દેખાવ કરીને વર્લ્ડ નંબર ૩, ચીનની ચેન યુફેઇને ૨૧-૧૯ અને ૨૧-૧૦ થી હરાવી હતી. સિંધુએ આ મેચ ૪૬ મિનિટમાં જીતી લીધો હતો.