શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં પાંચ મુખ્ય પરિબળોની અસર જોવા મળી શકે છે જેમાં એફએન્ડઓની પૂર્ણાહૂતિ, જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, એફઆઈઆઈ પ્રવાહ, મોનસુનની સ્થિતિનો સમાવેશ થાય છે. તમામની નજર મોનસુનની સ્થિતિ ઉપર કેન્દ્રિત થયેલી છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ૩૮૩૩૭ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં જુદા જુદા પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા નાણાં પરત ખેંચી લેવામાં આવ્યા છે. બજારની દિશા નક્કી કરવામાં સૌથી મોટી ભૂમિકા જૂન ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા રહેશે. મારુતિ સુઝુકી, બજાજ ઓટો, તાતા મોટર્સ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ સહિત ૨૦૦થી વધુ કંપનીઓ દ્વારા આગામી સપ્તાહમાં જૂન ૨૦૧૯માં પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના તેમના નાણાંકીય પરિણામો જાહેર કરવામાં આવનાર છે. આની દિશા પણ નક્કી કરવામાં આવશે. આરઆઈએલના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ શેરબજારમાં કારોબાર પૂર્ણ થયા બાદ શુક્રવારે જાહેર થયા હતા જેથી તેની અસર પણ આવતીકાલે જોવા મળશે. આરઆઈએલના નેટ નફામાં વાર્ષિક આધાર પર ૬.૮ ટકાનો વધારો થયો હતો તેની અસર હેઠળ શેરબજારમાં ઉછાળો આવી શકે છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિ ૨૫મી જુલાઈના દિવસે થશે. મોનસુનની સ્થિતિ પણ અસર કરશે. ગ્રામિણ વિસ્તારોમાં ઓછા વરસાદથી વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉભા પાકને પણ નુકસાન થઇ રહ્યું છે. ઉત્પાદનવાળા પટ્ટામાં ઓછા વરસાદથી સરકારની સાથે સાથે કૃષિ સમુદાય પણ ચિંતાતુર છે. હજુ સુધી ૧૭મી જુલાઈ સુધીના આંકડા દર્શાવે છે કે, વરસાદ નોર્મલ કરતા ૧૫.૮ ટકા ઓછો રહ્યો છે. સાપ્તાહિક વરસાદ સામાન્ય કરતા ૧૯.૮ ટકા ઓછો રહ્યો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી સ્ટોકમાંથી ૭૭૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. સુપરરિચ ટેક્સની જાહેરાત બજેટ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર બનેલા છે. એફપીઆઈ દ્વારા અગાઉના પાંચ મહિનામાં ઇક્વિટી સેગ્મેન્ટમાં જંગી નાણાં ઠાલવ્યા હતા. આંકડા દર્શાવે છે કે, પહેલી જુલાઈથી ૧૯મી જુલાઈ વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી વિદેશી રોકાણકારોએ ૭૭૧૨.૧૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો કે, ડેબ્ટ સેગ્મેન્ટમાં આ ગાળા દરમિયાન ૯૩૭૧.૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. એફપીઆઈની સાથે સાથે ઉંચા ટેક્સ સરચાર્જની અસર પણ જોવા મળી રહી છે. કેન્દ્રીય બજેટમાં પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સૌથી અમીર લોકો ઉપર ટેક્સ સરચાર્જમાં વધારો કર્યો હતો જેની અસર વિદેશી રોકાણકારો ઉપર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતો, ડોલર સામે રૂપિયાની ચાલ જેવા પરિબળો પણ શેરબજાર ઉપર અસર કરશે. મળેલી માહિતી મુજબ ઉથલપાથલ સાથે કારોબારની શરૂઆત થયા બાદ સપ્તાહ સુધી આવી સ્થિતિ રહે તેમ માનવામાં આવે છે. રોકાણકારો હાલ કોઇ જંગી જોખમ લેવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી. પરિણામો ઉપર નજર રાખવામાં આવી રહી છે.