ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના માંજલપુર સ્પોટ્ર્સ કોમ્પલેક્ષ ખાતે હોકી એકેડમી કાર્યરત છે. જ્યાં રાજ્યના ૭૦ જેટલા હોકી ખેલાડીઓને ઓલિમ્પિયન અને પદ્મશ્રી કોચ ધનરાજ પિલ્લે દ્વારા હોકીની તાલીમ આપવામાં આવી રહી છે. જ્યાં ધનરાજ પિલ્લેએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ૨૦૨૪ સુધીમાં કોઇ ગુજરાતી ખેલાડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ડિયન હોકી ટીમમાં જરૂર સ્થાન પ્રાપ્ત કરશે. કારણ કે, દેશના અન્ય કોઇ રાજ્યમાં ગુજરાત જેવી સકારાત્મકતા રમત ક્ષેત્ર માટે નથી. માત્ર હોકી જ નહીં પરંતુ મોટાભાગની જાણીતી રમતો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ધનરાજ પિલ્લેએ વધુમાં જણાવ્યું હતું કે, એક એવો સમય હતો કે ગુજરાતની હોકી ટીમ તમામ આંતરરાજ્ય કે, નેશનલ હોકી સ્પર્ધાઓમાં છેલ્લા ક્રમે રહેતી હતી અને ગુજરાતની ટીમ સામે ૧૦થી વધુ ગોલ સ્કોર કરવા એ રમત વાત ગણાતી હતી. જોકે આજે ગુજરાતની હોકી ટીમની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે, ચર્ચા થાય છે. નેશનલ સ્પર્ધાઓમાં ક્વાર્ટર ફાઇનલ સુધી તો ગુજરાતની ટીમ પહોંચે જ છે અને ગુજરાતના છોકરા-છોકરીઓ હોકીની રાષ્ટ્રીય એકેડમીમાં તાલીમ માટે પસંદ થાય છે, જે ઉજ્જવળ ભવિષ્યની આશા જગવે છે.