ધંધુકા વીજ કચેરી સામે હીટ એન્ડ રન

814
guj1722018-1.jpg

ધંધુકા ખાતે આજે વીજ કચેરી સામેથી પસાર થતા બાઈક ચાલકને પાછળથી આવતી અંબાજી-પાલીતાણા રૂટની એસ.ટી. બસને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. ધંધુકા નગરપાલિકાની વોર્ડ નં.૧માંથી અપક્ષ ઉમેદવાર સરોજબેન સાંકળીયાના પતિ કાનજીભાઈ નરસિંહભાઈ સાંકળીયા ઉ.વ.૪૮ વર્ધ રહે.પ્લોટ વિસ્તાર, ધંધુકાવાળાનું ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અકસ્માતે મૃત્યુ નિપજતા સમગ્ર સતવારા સમાજમાં શોક છવાયો છે. ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પાલીતાણા એસ.ટી. ડેપોની એસ.ટી. બસ નં.જીજે ૧૮ ઝેડ ૩૦૩૦ના ચાલકે ગફલતાઈપૂર્વક બસ હંકારી જતા આગળ બાઈક પર જઈ રહેલ બાઈક ચાલક કાનજીભાઈ નરસિંહભાઈ સાંકળીયાને ટક્કરે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. બસ ચાલક અકસ્માત સર્જી બસ હંકારી ધંધુકા એસ.ટી. ડેપોમાં બસ મુકી ફરાર થઈ જવા પામ્યો હતો.
આ અકસ્માતની ઘટના સંદર્ભે ધંધુકા પોલીસે એસ.ટી. ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ફરાર એસ.ટી. ચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. મૃતકનું પી.એમ. ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે કર્યા બાદ મૃતદેહને તેમના સ્નેહીજનોને સોંપવામાં આવ્યો હતો તો નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર સરોજબેન સાંકળીયાના પતિ કાનજીભાઈનું અકસ્માતે ચૂંટણીની પૂર્વસંધ્યાએ મૃત્યુ નિપજ્યું છે.

Previous articleસિહોરમાં વોર્ડ નં.૯ના અપક્ષ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાયા
Next articleનવાગામના ઢાળ પાસેથી ઈંગ્લીશ દારૂ સાથે બે ઝબ્બે