લોકસભાની ચૂંટણીમાં કંગાળ દેખાવ બાદ લોકોના દિલ જીતવાના પ્રયાસમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલમાં લાગેલા છે. બીજી બાજુ ભાજપે મમતા બેનર્જીને સત્તાથી દૂર કરવાના તમામ પ્રયાસો પણ હાથ ધર્યા છે. મમતા બેનર્જીએ આજે શહીદ દિવસના બહાને કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. મમતા બેનર્જીએ સમગ્ર ભાષણ દરમિયાન ઇવીએમ, નોટબંધી, હિન્દુ-મુસ્લિમ, બાંગ્લાના બહાને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. મમતા બેનર્જીએ ભાજપને લુંટારુ ટોળકી તરીકે ગણાવી હતી. મમતાએ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ઇતિહાસ નહીં બલ્કે રહસ્ય તરીકે છે. ઇવીએમ, સીઆરપીએફ અને ચૂંટણીનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવામાં આવી છે. તૃણમુલને માત્ર ૧૮ સીટો મળી હતી. કેટલીક સીટો મેળવીને તૃણમુલ ઉપર કબજો જમાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ આની રજૂઆત કરવામાં આવનાર છે. પંચાયત અને નગરનિગમની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં સરકારી ફંડિંગની પણ માંગ ઉઠી રહી છે. મમતાએ કહ્યું હતું કે, લોકશાહીને બચાવવા અને ચૂંટણી દરમિયાન કાળા નાણાના ઉપયોગને રોકવા દેશમાં ચૂંટણી સુધારા ખુબ જરૂરી છે. ટીએમસી વડાએ ચૂંટણીમાં સરકારી ફંડિંગની માંગ કરી હતી અને કહ્યું હતું કે, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની અને અમેરિકામાં પણ ઇવીએમના ઉપયોગ થયા હતા.
પરંતુ ત્યાં હવે આનો ઉપયોગ બંધ થઇ ગયો છે. ૧૯૯૫થી તેઓ ચૂંટણી સુધારાની વાત કરતા રહ્યા છે. મમતા બેનર્જીએ ભાજપ ઉપર જુદા જુદા વિષયને લઇને પ્રહાર કર્યા હતા. ટીએમસીના લોકોએ દાવો કર્યો છે કે, આ રેલીમાં શક્તિપ્રદર્શન દરમિયાન ત્રણ લાખ લોકો એકત્રિત થયા હતા. રેલીની સુરક્ષા માટે ૫૦૦૦ પોલીસ કર્મી ગોઠવવામાં આવ્યા હતા. ૨૧મી જુલાઈ ૧૯૯૩ના દિવસે ડાબેરીઓના શાસનકાળ દરમિયાન કોલકાતાના મેઓ રોડ ઉપર પોલીસ ગોળીબાર કરાયો હતો જેમાં ૧૩ લોકોના મોત થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી દરમિયાન મમતા બેનર્જીએ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. ૨૦૧૧માં સત્તા સંભાળી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જી સામે મોટા પડકારો ઉભા કરી દીધા છે. ટીએમસીની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો. ભાજપે ૪૦.૩ ટકા મત મેળવીને મમતાની ઉંઘ હરામ કરી દીધી છે જ્યારે ટીએમસીને ૪૩.૨ ટકા મત મળ્યા છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર બંગાળમાં તૃણમુલનો સંપૂર્ણ સફાયો થયો હતો. કારણ કે, ભાજપે અહીં તમામ સાત સીટો જીતી લીધી હતી. કોંગ્રેસને માલ્દા સાઉથ સીટ મળી હતી જ્યારે ટીએમસીનું ખાતુ ખોલાયું ન હતું. ભાજપે પણ આક્રમક તૈયારીઓ હાથ ધરી છે.