ભાવનગર હાદાનગર વિસ્તારમાં આવેલ નાળામાં તણાઈ જવાથી આજ વિસ્તારમાં રહેતા એક વૃધ્ધનું મોત નિપજયું હતું.
ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલ મોમાઈ માતાજીના મંદિર પાછળના ભાગે આવેલ નાળામાં વૃધ્ધ વ્યક્તિનો મૃતદેહ તણાઈને આવતો હોવાની મનસુખભાઈ ગોહેલ નામના વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢયો હતો.
મૃત્યુ પામનાર વ્યક્તિ હાદાનગરમાં રહેતા બીજલભાઈ પ્રાગજીભાઈ પરમાર હોવાનું ખુલ્યું છે. વહેલી સવારે તેઓ કામેથી ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે નાળામાં તણાઈ ગયા હતાં. આ બનાવ અંગે ફાયર બ્રિગેડ વિભાગના ઘનશ્યામસિંહ વાળાએ માહિતી આપી હતી. આ બનાવની જાણ થતા ડી.ડીવીઝન પોલીસ કાફલો પણ બનાવ સ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહને હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.