યુરોપમાં એક મહિનાની અંદર સતત પાંચ ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસને આખો દેશ સલામ કરી રહ્યો છે. હિમા દાસે ચેક રિપબ્લિકમાં નોવે મેસ્ટો નાડ મેટુજી ગ્રાન્ડ પ્રિક્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૪૦૦ મીટર સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવ્યો છે અને વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે હિમા દાસે એક મહિનામાં કુલ પાંચ મેડલ પોતાના નામે કર્યા છે.
જોકે આ સાથે હિમાની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ સપ્તાહની અંદર બે ગણી વધી છે. મીડિયા રિપોર્ટ મુજબ હિમાના એક્સક્લૂસિવ તરીકે પ્રતિનિધિત્વ કરનારી સ્પોટ્ર્સ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસના મેનેજિંગ ડાયરેક્ટર નીરવે તોમરે કહ્યું કે,‘છેલ્લા ત્રણ સપ્તાહમાં એક પછી એક સિદ્ધિ મેળવવાના કારણે હિમાની બ્રાન્ડ વેલ્યૂ વધીને બે ગણી થઈ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું સીધું જોડાણ ખેલાડીના પ્રદર્શન અને તેની લોકપ્રિયતા સાથે હોય છે. હિમાની હાલ દુનિયાભરના દરેક પ્લેટફોર્મ પર ચર્ચા થઈ રહી છે.
સૂત્રો મુજબ આ પહેલા અસમની ઝડપથી દોડનાર ૧૯ વર્ષની હિમા દાસની ફી એક બ્રાન્ડ માટે વાર્ષિક લગભગ ૩૦-૩૫ લાખ રૂપિયા હતી. જે હવે વધીને ૬૦ લાખ રૂપિયા વાર્ષિક થઈ ગઈ છે. નીરવે જણાવ્યું કે આઈઓએસ હવે હિમા માટે વોચ બ્રાન્ડ, ટાયર, એનર્જી ડ્રિંક બ્રાન્ડ, કુકિંગ ઓયલ અને ફૂડ જેવી કેટેગરીના બ્રાન્ડ સાથે નવી ડીલ પર વાત કરી રહ્યું છે. હિમાના વર્તમાન એન્ડોર્સમેન્ટમાં એડિડાસ સ્પોર્ટસવિયર, એસબીઆઈ, ઇડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસેઝ અને નોર્થ-ઈસ્ટની સીમેન્ટ બ્રાન્ડ સામેલ છે.