શહેર-જિલ્લામાં સ્વાઈન ફ્લુનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે. સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ એક યુવાન તથા વૃધ્ધનું મોત નિપજ્યું છે. જ્યારે રપ દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવારરત શહેરના ર વ્યક્તિના મરણ થતા સર ટી. હોસ્પિટલ તથા ખાનગી દવાખાના મળી છેલ્લા અઢી માસ દરમ્યાન કુલ ૪પ વ્યક્તિઓને સ્વાઈન ફ્લુનો રોગ ભરખી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સર ટી. હોસ્પિટલમાં હાલ રપ વ્યક્તિઓ સારવાર લઈ રહ્યાં છે. ૩ દર્દીઓનો લેબોરેટરી રીપોર્ટ આપવવાની રાહ જોવાઈ રહી છે. જ્યારે એકાદ સપ્તાહથી સ્વાઈન-ફ્લુના દર્દને લઈને સારવાર લઈ રહેલ ર વ્યક્તિઓ સ્વસ્થ બનતા તેઓને રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તદ્દઉપરાંત શહેરની બે ખાનગી હોસ્પિટલમાં પણ કેટલાક દર્દીઓ સ્વાઈન ફ્લુને લઈને સારવાર લઈ રહ્યાં છે. તડકા સાથે વરાપ નિકળતા આ રોગચાળો થોડા ઘણા અંશે કાબુમાં આવ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું અને વરસાદ શરૂ થતા સ્વાઈન ફ્લુએ પુનઃ માથુ ઉચક્યું છે.
સ્વાઈન ફ્લુથી જોલાપરના વૃધ્ધનું મોત
રાજુલા તાલુકાના જોલાપર ગામે રહેતા વૃધ્ધની તબિયત થોડા સમયથી નાદુરસ્ત હોય જેની સ્થાનિક કક્ષાએ પ્રાથમિક સારવારના અંતે રોગના શંકાસ્પદ લક્ષણો જણાતા તત્કાલ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મરણ થયું હતું. મૃતક વૃધ્ધ જોલાપર ગામે આવેલ મહાદેવના મંદિર ખાતે સેવાપૂજા કરી પરિવારનો જીવનનિર્વાહ ચલાવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધિનય છે કે થોડા સમય પૂર્વે રાજુલાના ડુંગર ગામની મહિલાનું પણ સ્વાઈન ફ્લુને લઈને મૃત્યુ થયું હતું.