રાજુલા તાબેના બર્બટાણા ગામે એક શ્રમજીવી મહિલાએ પોતાના ત્રણ માસુમ સંતાનોને સાથે રાખી ઝેરના પારખા કરતા મહિલા અને એક પુત્રીનું હોસ્પિટલના બીછાને સારવાર દરમ્યાન મોત નિપજયું હતું જયારે એક પુત્રીત થા પુત્ર ઝેરની ગંભીર અસર હેઠળ સારવારમાં હોવાનું જાણવા મળ્યું છે.
રાજુલાના બર્બટાણા ગામે રહેતા અને મિસ્ત્રી કામની મજુરી કરતા જીતુ હિમતભાઈ રાઠોડએ સુરતની એક યુવતી સાથે લવ મેરેજ કર્યા હતાં અને બે વર્ષ પુર્વે રોજીરોટીની તલાશમાં રાજુલાના બર્બટાણા ગામે આવી વસ્યા હતાં. જીતુ તથા તેમના પત્ની સોનલબેનને લગ્ન જીવન થકી ત્રણ સંતાનોની પ્રાપ્તી થઈ હતી. જેમાં આજરોજ બપોરના સમયે કોળ અકળ કારણોસર સોનલબેનએ ત્રણ માસુમ સંતાનો કિષ્નાબેન (ઉ.વ.૩), દર્શન (આઠ માસ), નાવ્યાબેનને કોઈ ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લેતા માતા તથા સંતાનોને ગંભીર હાલતે પ્રથમ રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સોનલબેનએ સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો તથા ત્રણેય સંતાનોને બર્બટાણા ગામના સરપંચ દિલુભાઈ પોતાના વાહન લઈને મદ્દે દોડી આવ્યા હતાં. અને તાત્કાલ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ ત્રણેય સંતાનોને ખસેડેલ પરંતુ ત્યા ક્રિષ્નાબેન (ઉ.વ.૩)નું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ હોસ્પિટલ સત્તાવાળા દ્વારા દર્શન (ઉ.વ.૮ માસ ) તથા નાવ્યાને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવા ભલામણ કરતા આ બન્ને ભુલકાઓને ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયા તેની સ્થિતિ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
એક શ્રમજીવી પરણીતાએ ભરેલા અજુગતા પગલાના કારણે શ્રમજીવી યુવાનો માળો પીખાઈ ગયો છે. સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.