ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે અડાલજમાં મહિલાની નજર ચુકવી ગઠીયાઓ ૩૯ હજારની મત્તા ભરેલું પર્સ ચોરી ગયા હતા તો સુઘડ પાસે મોલ નજીક પાર્ક થયેલી કારના કાચ તોડી ગઠીયાઓ લેપટોપ સહિત ૬૮ હજારની મત્તા ચોરી જવામાં સફળ રહયા હતા. આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકવાનું નામ લેતાં નથી ત્યારે હવે ગઠીયા ટોળકી સક્રિય થઈ છે. ગાંધીનગર શહેર નજીક અડાલજમાં છેલ્લા થોડા સમયથી ગઠીયાઓ એક પછી એક ગુનાઓને અંજામ આપી રહયા છે ત્યારે અડાલજ ગામમાં શ્રીનાથ રેસીડેન્સી વિભાગ-ર માં મકાન નં.ર૮ ખાતે રહેતાં ઉષાબેન જાલમજુવા ચૌધરી તેમની કાર લઈને અડાલજ ગામમાં શુક્રવારી બજારમાં ગયા હતા.
જ્યા ખરીદી કરી તેઓ પરત ફરી રહયા હતા ત્યારે એક ગઠીયો તેમની ગાડીની આગળ ઉભો રહયો હતો અને ઈશારો કરતો હતો કે પાછળ કાંઈક છે.. તો તેની સાથે રહેલા અન્ય વ્યક્તિએ કારમાં પંકચર હોવાનું કહયું હતું. ઉષાબેને કારનો દરવાજો ખોલી પાછળ જોતાં દસ દસની નોટો પડી હતી. આ જ સમયે ગઠીયાઓએ તેમની સીટમાં મુકેલું પર્સ ચોરી લીધું હતું.
જેમાં ૩૦ હજાર રૂપિયા રોકડા પાસપોર્ટ અને સોનાનું પેન્ડલ તેમજ અન્ય દસ્તાવેજો મળી ૩૯ હજારની મત્તા ભરેલું આ પર્સ સેરવી લીધું હતું. જેથી તેમણે આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તો બીજી બાજુ સુઘડના અગોરા મોલ પાસે મંગેતર સાથે આવેલી ગેલેકસી નરોડા ખાતે રહેતા પીંકીબેન અર્જુનભાઈ નરસીંગાણીની કારનો કાચ તોડી ગઠીયાઓ લેપટોપ અને અન્ય ચીજવસ્તુ મળી ૬૮ હજારની મુદ્દામાલ ભરેલી બેગ ચોરીને પલાયન થઈ ગયા હતા.