ગાંધીનગર કોર્ટમાં કેદીઓને મુદતમાં લાવી પરત સાબરમતી જેલ ખાતે લઈ જતી વખતે એક કેદીએ ફરજ ઉપરના પોલીસ જવાનને કેમ મારા સગાને મળવા ના દીધા તેમ કહી હુમલો કર્યો હતો અને અન્ય બે કેદીઓએ પણ આ પીએસઆઈને લાત મારી હતી. જેના પગલે આ કેદીઓ સામે પીએસઆઈએ ફરજમાં રૂકાવટ અને સરકારી અમલદાર ઉપર હુમલાની ફરિયાદ આપતાં સે-૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સે-ર૧ પોલીસ સ્ટેશન ખાતે પ્રોબેશનલ પોલીસ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં રવિરાજસિંહ ભરતસિંહ પરમારની ફરજ પોલીસ હેડકવાર્ટસ ગાંધીનગરથી કેદી પાર્ટી જાપ્તામાં સોંપાઈ હતી. તેમના સાથી પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ વાન જીજે-૧૮-જી-૩૧૦૩ લઈ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા હતા અને જયાંથી કેદીઓને લઈ ગાંધીનગર કોર્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા.
જયાં કોર્ટ સંકુલ બહાર દસ આરોપીઓના સગાઓ સંબંધીઓને મળવા માટે આવ્યા હતા અને ખાવાનું પણ આપવા માટે આવ્યા હતા. જે તેમણે આપવા દીધું નહોતું. પરત સેન્ટ્રલ જેલ ખાતે જઈ રહયા હતા ત્યારે પથિકાશ્રમ પાસે જ આ આરોપી પૈકી સંજય કનુભાઈ પરમાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની પાસે પહોંચ્યો હતો અને કહયું હતું કે કેમ મારા સગાઓને મળવા દીધા નહીં. ત્યારબાદ તેની સાથેના કેતન ઉર્ફે કિશન જયંતિભાઈ બારોટ તથા સહદેવસિંહ લાયકસિંહ તોમર પણ ઉશ્કેરાઈ ગયા હતા અને લાતો મારવા લાગ્યા હતા. જેથી અન્ય પોલીસ જવાનો વચ્ચે પડયા હતા.
આ દરમ્યાન સંજય પરમારે તેનું માથું બારીના કાચ સાથે અથડાવી બારીનો કાર પણ તોડી નાંખ્યો હતો. જેથી આ સંદર્ભે તેમણે સે-૭ પોલીસ મથકમાં સરકારી કામમાં રૂકાવટ અને સરકારી અમલદાર ઉપર હુમલાની ફરિયાદ આપતા ત્રણ કેદીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.