ગુજરાત વિધાનસભામાં બોરસદના એમએલએરાજેન્દ્રસિંહ પરમારે એચઆઈવી, ટીબી અને થેલેસેમિયાના દર્દીઓના આંકડા માગ્યા હતા. રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં ટીબીના દર્દીઓની સંખ્યા ૮૨,૬૬૨ છે, જ્યારે એચઆઈવી પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧,૨૦,૮૬૬ છે. ધારાસભ્યે આ સાથે જ રાજ્યમાં દર્દીઓની સારવારની સુવિધાઓ અને મેડિકલ સ્થિતિ વિશે પણ માહિતી માગી હતી. ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી અમદાવાદમાં સૌથી વધારે ૨૨,૮૭૭ એઈડ્સના દર્દીઓ છે, આ પછીને ક્રમે ૨૦,૭૭૬ દર્દીઓ સાથે સુરતનો ક્રમ આવે છે. સરકારના આંકડા મુજબ મોરબીમાં સૌથી ઓછા ૭૨૯ એઈડ્સના દર્દીઓ છે. ટીબીના દર્દીઓની સંખ્યામાં પણ અમદાવાદ સૌથી ઉપર છે. રાજ્યમાં ટીબી કરતા પણ એઈડ્સના દર્દીઓની વધારે સંખ્યા સરકાર માટે ચિંતાની બાબત છે. નીતિ આયોગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાત ટીબીના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાંથી એક છે. પ્રતિ એક લાખે ૨૨૪ લોકો ટીબીના દર્દીઓ છે.