‘સંકટ સમયે ધીરજ રાખનાર માણસની જીત થાય છે’

1258

માણસના જીવનમાં ચડતી અને પડતી આવતી જ રહે છે, પરંતુ ધીરજ ધારણ કરનાર માણસ તેના જીવનના વિપરીત સંજોગો સામે પણ સંઘર્ષો કરી જીત મળવવામાં સફળ થાય છે. જીવનમાં આવતા તડકા-છાયા તે પોતાની ધારણ કરેલી ધીરજ શક્તિના કારણે ખાળી શકે છે.

ભીતરની ભૂગોળને જાણી જે પગલાં ભરે છે તે સંસારભૂમિ પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી સિદ્ધિ મેળવી શકે છે. વનડે ક્રિકેટમાં વિજય મેળવવા વિરોધી ટીમની નબળાયોનું અવલોકન કરી, આયોજનપૂર્વક જે ટીમ બેટિંગ અને બોલિંગ કરી શકે છે તે ટીમ હંમેશાં જીત મેળવી શકે છે. આપણે જો જીવનમાં જીત મેળવવી હોય તો ધીરજ ધારણ કરી આપણા કાર્યક્ષેત્રમાં આગળ ધપતા રહેવું જોઈએ. ધીરજપૂર્વક કરેલું કોઈ પણ કાર્ય સફળતા અપાવે છે. જોકે ધીરજ વિપરીત સમય-સંજોગોમાં રાખવી સરળ નથી. તેમ છતાં ધીરજ રાખવાનો ગુણ શીખવા જેવો તો મને જરૂર લાગે છે. ધીરજ ગુમાવનાર હાથમાં આવેલી સફળતા ગુમાવે છે.

ધીરજની વાત નીકળી જ છે ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ અદા કરતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકમિત્રોને મારે એટલું જ કહેવું છેઃ ‘યુગ ભલે ટૅક્નોલોજીનો હોય, આપણે સૌ ભલે કૉમ્પ્યૂટર, મોબાઈલ કે અન્ય ઉપકરણો ચલાવી શકતા હોઈએ. કદાચ સનેત્ર વ્યક્તિઓ કરતા પણ આ બધા જ સાધનો સારી રીતે આપણે વાપરી શકતા હોઈએ, પણ મોટા ભાગના લોકો આપણી આ આવડતને સ્વીકારવા માનસિક રીતે તૈયાર થઇ શકતા નથી. શંકા તે લોકોનો પીછો છોડવા તૈયાર થતી જ નથી. વળી બીજા શબ્દોમાં કહુ તો આવી ઉદારતા તેઓ કોઈ પણ સંજોગોમાં બતાવી નેત્રહીનોને તેના જ જેવા શિક્ષક તરીકે જોવા પોતાની દૃષ્ટિ કેળવવા માંગતા નથી. ત્યારે આપણે ધીરજપૂર્વક આપણી ફરજ અદા કરી બતાવાનો પડકાર ઝીલવા તૈયાર રહેવું જોઈશે. આજ-કાલ ગુજરાતભરમાંથી મારી પર જુદી-જુદી સમસ્યાઓના ઉકેલ મેળવવા અંગે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોના ફોન આવે છે. આચાર્ય દ્વારા કેટલાક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને પેપર તપાસવા, પત્રકો ભરવા, ઓનલાઈન ટેસ્ટના માર્ક મોકલવા જેવા અનેક કામ સોંપી  તેની મર્યાદાઓને અવગણી માનસિક રીતે પજવણી કરવામાં આવે છે. એટલું જ નહિ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોમાં છુપાયેલી શૈક્ષણિક શક્તિઓને ધ્યાન પર લેવામાં આવતી નથી. કેટલાક શિક્ષકોને પોતાના ખર્ચે શાળામાં પગારથી માણસ રોકી લેવા આચાર્ય કે સાથી શિક્ષકો દ્વારા દબાણ કરવામાં આવે છે આવી ઘણી ફરિયાદો મળે છે. સરકારી શાળામાં આવી સત્તા કોઈ પાસે ન હોવા છતાં બે-જવાબદાર આચાર્યો ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે. ત્યારે દરેક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોએ તેનો મક્કમતાથી સામનો કરી કોઈ પણ માણસ રાખી કાયદાનો ભંગ ભૂલથી પણ નહિ કરવા મારી લોકસંસાર દૈનિકના માધ્યમથી વિનંતિ છે.

એક મોટી સભા ભરાય હતી. કોઈ વક્તા પોતાની વાત સભા સમક્ષ આલંકારિક ભાષામાં ચકળવકળ આંખોના ડોળા ફેરવી કરી રહ્યા હતા. મંચની બંને તરફ કમાંડો સાવધાન સ્થિતિમાં ઊભા હતા. એક સુકલકડી માણસ વારંવાર કમાંડો શું કરી રહ્યા છે, તેની પળેપળની વીડિયો ફિલ્મ તૈયાર કરવા કેમેરામેનને સૂચનાઓ આપી, અદબ વાળી તે પણ સાવધાન સ્થિતિમાં ઊભો હતો. અચાનક વાવાઝોડું આવતા મંડપ તૂટી પડે છે. શોર્ટસર્કિટ અને મંડપ પડવાથી ઘણા લોકો મૃત્યુ પામે છે. વક્તા, આયોજકો અને કમાંડો મળી ૧૦૦ થી પણ વધુ લોકો મૃત્યુ પામે છે. સુકલકડી માણસ પર માયકની કોલમ પડતા તે દબાઈ મરે છે. કેમેરા ચલાવતા કેમેરામેન ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ભડથું થઈ જાય છે, પણ વક્તાનું ઓડિયો ભાષણ સિસ્ટમમાં રૅકોર્ડ થયેલું હોય છે, તે મળી આવે છે.

ભાષણ કૉમ્પ્યૂટરની મદદથી વગાડવામાં આવે છે.

‘વ્હાલા સભાસદો, હું સત્ય બોલતા ખચકાતો નથી. સભામાં લૂલા-લંગડા, બાડા-બોબડા જે કોઈ બેઠા હોય તે સભામંડપની બહાર નીકળી જાય, કારણ કે તેઓ મારી સત્યવાણી સહન નહિ કરી શકે. અનેક જન્મના પાપ ભોગવતા આ લોકો દયાને લાયક નથી. હું મારી જિંદગીમાં હંમેશાં પુણ્ય કમાયો છું. તમે સૌ પણ પુણ્ય કમાવા અહીં સભામાં મારું ભાષણ સાભળવા સભા મંડપમાં આવ્યા છો ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે. મેં આગળ કહ્યું તેવા કોઈ લોકો આપણી સભામાં હોવા જોઈએ નહિ. આવા પાપી લોકો આપણી તરતી નાવ ડુબાડી દે તે પેલા આવા લોકોને સભામાંથી બહાર કાઢવા મારો આપ સૌને હુકમ છે. વક્તા બોલતા હતા ને વાવાઝોડું આવી પહોંચ્યું. યાદીમાં જણાવ્યા મુજબના બધા જ લોકો મૃત્યુ પામ્યા પણ લૂલા-લંગડા, કે બાડા-બોબડા એક પણ ઘાયલ સુધ્ધાં થયા નહિ. સૌની અચરજનો પાર રહ્યો નહિ. મિત્રો પોતાની જાતે પંડિત થઈ બેઠેલા લોકોની આવી જ હાલત થતી હોય છે. જરૂર માત્ર ધીરજ રાખવાની છે. દ્રૌપદીના નવસો નવાણુ ચીર પૂરનાર કૃષ્ણ પર ભરોસો રાખજો. તે આપણી પણ લાજ રાખવા અવશ્ય આવી પહોંચશે.

કોઈ તમારા કાર્યક્ષેત્રમાં તમારું અપમાન કરે તેવા સમયે ધીરજથી કામ લો. માર્ગ જરૂર મળી આવશે. જ્યારે આવી ફરિયાદ અંગે મારા પર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રોનો ફોન આવે છે, ત્યારે મારા મગજનો પારો આસમાને ચડી જાય છે. પણ હું આવા સમયે શાંત ચિતે તેના પર વિચારણા કરી તેનો ઉપાય શોધી કાઢું છું. લાગતાવળગતા અધિકારીઓને મળેલી ફરીયાદ સંબંધી પગલાં લેવા મારી ભલામણ સાથે લેખિત રજૂઆત મોકલી આપુ છું. તે પૈકીના કેટલાક પત્રોનો જે તે વિભાગમાંથી કાર્યવાહી હાથ પર લેવા થયેલ હુકમોની નકલ પણ મને મળતી હોય છે. જોકે ફરિયાદો પચાવી શકે તેવો મજબૂત પાચન શક્તિ ધરાવતો કોઠો આપી, ભગવાને આ લોકોને મોકલ્યા હોય તેમ લાગે છે.’ તેથી તેને ભાવનગરના શેઠ બ્રધરના કાયમચૂર્ણની જરૂર પડતી નથી.

વક્તાની સભામાં વાવાઝોડું આવવાના કારણે મંડપ તૂટી પડતાં મૃત્યુ પામેલ તમામ લોકોને લૂલા-લંગડા, બાડા-બોબડા બનાવી આ સૃષ્ટિ પર મોકલી દેવામાં આવે છે. વક્તાને ૨૧ પ્રકારની વિકલાંગતા આપી ધરતી પર મોકલવામાં આવતાં તે દુઃખી-દુઃખી થઈ જાય છે. એટલે આપણે ત્યાં કહેવત પડી છે. ‘વારા પછી વારો મે પછી ગારો’ વરસાદ પડે એટલે ગારો થયા વિના રહેવાનો નથી. ધીરજ ધારણ કરવાથી પરિણામ આજ નહિ તો કાલ અવશ્ય મળશે. આજ-કાલ કેટલીક શાળાઓના આચાર્યો પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને પોતાના ખર્ચે માણસ રોકી લઈ વર્ગખંડનું શૈક્ષણિક અને વહીવટી કામગીરી પૂર્ણ કરાવા સલાહ આપે છે. તેમાંના કેટલાક આચાર્યમિત્રોએ પોતાના સાથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રો પર દબાણ કરી આવા માણસો રખાવી શાળા પર માલિકીનો કબજો જમાવ્યો છે. સરકાર જો આ પ્રશ્ને ગંભીરતા નહિ દાખવે તો આચાર્યો મનસ્વી નિર્ણયો લેતાં ખચકાશે નહિ. જે લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે. તેમને ઇશ્વર જલ્દી મદદ કરવા કોઈ ને કોઈ રૂપે આવી પહોંચે તેવી હું પરમકૃપાળુ પરમેશ્વરને અંતરથી પ્રાર્થના કરું છું.

પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રોને ઇરાદાપૂર્વક હડધત કરવાના ઉદ્દેશથી જે કોઈ કાવાદાવા કરે છે. તે લોકોની હાલત અકબર બાદશાહના દરબારી જેવી થશે. અકબર બાદશાહના દરબારીઓ બીરબલનું કાછળ કાઢી નાખવા એક યુક્તિ ઘડી કાઢે છે. જે રીતે કેટલાક આચાર્યો આજ-કાલ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને નીચા દેખડવા કરી રહ્યા છે. દરબારીઓ ઇર્ષાના ભાવથી પિડાવા લાગ્યા. તેઓ સંગઠિત બની અકબર બાદશાહ સમક્ષ હાજર થઈ બીરબલના દોષો વિશે ખરીખોટી સંભળાવા લાગ્યા. પણ તેની અકબર બાદશાહ પર કોઈ અસર થઈ નહિ. છેવટે બધા દરબારીઓએ બીરબલને સદાને માટે દૂર કરવા યુક્તિ શોધી કાઢવા વિચારણા કરી. એક દરબારીએ અકબર બાદશાહના હજામ સાથે મળી એક યુક્તિ શોધી કાઢી. હજામ બાદશાહના વાળ કાપવા મહેલમાં આરામ ફરમાવતા અકબર બાદશાહ પાસે પહોંચી જાય છે. હજામ સલામ કરી બાદશાહને વાળ કપાવા આસન પર બેસવા ઇશારો કરી અદબ ભીડી ઊભો રહી જાય છે. થોડીવારમાં બાદશાહ આસન પર ગોઠવાય જાય છે. હજામ વાળ કાપવાનું શરૂ કરે છે. વાળ કાપતા-કાપતા હજામ બાદશાહની પ્રશંસા કરવા લાગે છે. વાળ ભારે સુવાળા છે. તમારા પિતાના વાળ પણ હું જ કાપતો હતો. તેમના વાળ રેશ્મી જેવા હતા. તેમના પિતાના વાળ મારા બાપુજી કાપતા હતા. તેઓ કહેતા હતા કે તેમના વાળ મખમલ જેવા હતા. હજામે વાતમાં મોણ નાખતા કહ્યુંઃ ‘હજૂર તેઓ સ્વર્ગમાં કુશળ તો છે ને?’ બાદશાહઃ ‘મને શી ખબર સ્વર્ગમાં થોડો ટેલિફોન કરી શકાય છે?’ ‘અરે હજૂર, એ શું બોલ્યા? સ્વર્ગમાં તેઓ શું કરે છે તે જાણવા આપણે માણસ મોકલી જાણી શકીએ છીએ.’ બાદશાહઃ ‘અલ્યા ગાંડો થઇ ગયો છે કે શું? સ્વર્ગમાં ગયેલો માણસ પાછો આવે ખરો?’  હજામઃ ‘જી હજૂર આવેપ!  બાબાની સૂચના મુજબ જે વર્તે તે મોકલેલો માણસ કામ પતાવી સમાચાર લઈ પાછો ધરતી પર આવી શકે છે. તમારા વડવાના આપણને  આ રીતે સમાચાર મળી શકે અને તમને તેઓ સ્વર્ગમાં શી સ્થિતિમાં છે, તેની જાણ થશે. તેઓ જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેનો આપણે ઉપાય પણ કરી શકીશુ.’ હજામની વાત સાંભળી બાદશાહ અચરજ સાથે બોલી ઉઠ્‌યાઃ ‘તું બાબાને મળી જાણી લે. આપણે કેવા માણસની પસંદગી કરી સ્વર્ગમાં મોકલવો પડશે. જેથી આપણને વડવાના સમાચાર પ્રાપ્ત થાય.’ બીજા દિવસે હજામ અકબર બાદશાહ સમક્ષ આવીને હાથ જોડી બોલી ઊઠે છેઃ ‘હજૂર આપણા દરબારમાં સૌથી વધુ બુદ્ધિમાન દરબારી હોય તેને સ્વર્ગમાં રહેલા વડવાના સમાચાર મેળવવાનું કામ સોંપી શકાય. અકબરનાં દરબારમાં સૌથી બુદ્ધિશાળી બીરબલ હતો તેથી સ્વર્ગમાં વડવાના સમાચાર મેળવવા બીરબલને મોકલવાનું નક્કી થાય છે. બીરબલને સભામાં હાજર રહેવા નિમંત્રણ મોકલવામાં છે. બીજા દિવસે અકબરનો દરબાર મળે છે. દરબારમાં બીરબલને સ્વર્ગમાં જવા માટેનું કામ સોંપવાની જાહેરાત અકબરની સૂચનાથી કરવામાં આવે છે. સાંભળી બીરબલ બોલી ઊઠે છેઃ ‘હજૂર, સ્વર્ગમાં ગયેલો માણસ સમાચાર લઈ શી રીતે પરત આવી શકે? આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે. આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે. તેઓ જે રીતે સૂચના આપે તેમ તમારે સ્વર્ગમાં જવાનું રહેશે. સ્વર્ગમાં વડવાઓને મળી તેની કુશળતા જાણી બાબાની સૂચના મુજબ તમારે પરત ફરવાનું રહેશે. બીરબલ અવાક બની જાય છે. થોડું વિચારી તે આ માટે અકબર પાસે બે માસનો સમય માંગે છે. બીરબલ પોતાના ઘરે જઈ વિચારવા લાગે છે! ‘રાજ દરબાર’ માંથી મારો કાટો કાઢવા કોઈએ કાવતરું કર્યું લાગે છે, તેમાંથી આબાદ બચાવ થઇ શકે તેવી યોજના ઘડવી પડશે. બીરબલ બીજા જ દિવસે ઈજનેરો બોલાવી પોતાના નિવાસથી સમશાન સુધી ભોયરું તૈયાર કરવા કામ સોંપે છે. તેમજ સમશાનમાં જ્યાં ચિતા સળગાવવામાં આવતી હતી ત્યાં ભોંયરાનો માર્ગ ખૂલે તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી. બે માસનો સમય વીતતા જ વાજતે ગાજતે બીરબલને તેના નિવાસસ્થાનથી અકબરની સભામા લાવવામાં આવે છે. સભામાં બીરબલનું અભિવાદન કરી તેને અંતિમ વિદાય આપવામાં આવે છે. શણગારેલા હાથી, ઘોડા અને વિશાળ માનવ સમુદાય સાથે રથમાં બેસાડી તેને સ્મશાન લઇ જવામાં આવે છે.ચંદનનાં લાકડાઓ ગોઠવવામાં આવે છે. તેમાં બીરબલને સુવડાવી દેવામાં આવે છે. અગ્નિ પ્રગટાવવાનો બાબા દ્વારા હુકમ આપવામાં આવે તે પેહલા જ બીરબલ કુશળતાપૂર્વક ચંદનનાં લાકડામાંથી  સરકી જઈ ભોંયરામાં પ્રવેશ કરે છે. ગુપ્ત માર્ગે તે પોતાના ઘરે પહોંચી જાય છે. બીજી તરફ પ્રગટેલી આગ ચંદનનાં લાકડાઓને રાખમાં ફેરવી દે છે. બધાની માન્યતા મુજબ બીરબલનું મૃત્યુ જ થયું હશે તેમ સમજી સૌ સમશાનમાંથી પરત ફરે છે. સમય પાણીના પ્રવાહની જેમ વહેવા લાગે છે. થોડા મહિનાઓ વીતી જાય છે. અચાનક એક દિવસ બીરબલ અકબરની સભામાં આવી પહોંચે છે. સભામાં આવેલા બીરબલને જોઈ દરબારીઓ અચરજમાં પડી જાય છે ત્યારે અકબર બીરબલને પોતાની પાસે આસન લેવા ઈશારો કરી બોલાવે છે. અકબર બીરબલને સ્વર્ગમાં ગયેલા તેના વડવાઓના સમાચાર પૂછે છેઃ આ સાંભળી બીરબલ બોલે છે, હજૂર આમ તો બધું જ બરાબર છે બધા વડવાઓ કુશળ છે. દુઃખ માત્ર એટલું જ છે-સ્વર્ગમાં એક પણ હજામ નથી જેના લીધે વડવાના વાળ અને દાઢી-મૂછ બહુ વધી ગયા છે તેઓ એક ડગલું પણ ચાલી શકે નહિ તેટલા મોટા વાળ થઇ ગયા છે. તો મોંથી કશું ખાઈ શકે નહિ કે આંખથી કશું જોઈ શકે નહિ તેટલા દાઢી, મૂછ અને નેણ વધી ગયા છે તેથી સ્વર્ગમાં સત્વરે હજામને મોકલવાની જરૂર છે તેમજ હજામને લઇ જઈ શકે  તેવા એક દરબારીની પણ જરૂર પડશે. આ સાંભળી બાદશાહ અકબરે દરબારીની પસંદગી કરવા બીરબલને આદેશ આપ્યો. બીરબલનું કામ થઇ ગયું. હજામ અને આ કાવતરું ઘડનાર દરબારી હવે સ્વર્ગના માર્ગે જશે. બીરબલે તેની સાથે જે થયું હતું તે મુજબ બંનેને વિદાય કરવા આયોજન કર્યું અને એ રીતે તેમણે પોતાની સાથે થયેલ અન્યાયનો બદલો ધીરજપૂર્વક લીધો આપણે પણ આપણા કાર્યક્ષેત્રમાં આવી જ ધીરજ દાખવી હજામ જેવું કાવતરું ઘડનાર આપણા વિરોધીને આપણા કાર્યક્ષેત્રથી દૂર કરી શકીએ છીએ. એટલું જ નહિ આપણે આપણા કાર્યક્ષેત્રમાં ધીરજ અને ખંત વડે આપણી વિદ્વત્તા દ્વારા કીર્તિ પ્રાપ્ત કરી શકે છીએ.

Previous articleચંદ્રયાન-૨નું સફળ લોંચિંગ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે