માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરનારા બાળકો ચેતી જાય. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે માતા-પિતાને પીટનારા એક દીકરાને પ્રોપર્ટીમાં ભાગ આપવાને બદલે તેનું પઝેશન વિલમાં જણાવ્યા મુજબ બે દીકરીઓને આપી દીધુ હતુ. પરિવાર વચ્ચે સંપત્તિના ડખાને લઈને મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટે આવો નિર્ણય આપ્યો હતો.
રમેશ પટેલ (નામ બદલ્યું છે)એ હાઈકોર્ટમાં તેના પિતા અને બે બહેનો સામે અપીલ ફાઈલ કરીને વડોદરામાં બંગલાના પઝેશનની માંગ કરી હતી. પટેલ અગાઉ વડોદરાની ટ્રાયલ કોર્ટમાં કેસ હારી હયો હતો. પટેલે હાઈકોર્ટને જણાવ્યું કે તેની માતાએ ૩ જુલાઈ ૨૦૦૩માં બનાવેલા વિલથી તેનો પ્રોપર્ટી પરનો અધિકાર છીનવી શકાય નહિ. આ દસ્તાવેજો કાયદાકીય દૃષ્ટિએ વેલિડ પણ ગણી ન શકાય. તેણે પીટિશનમાં જણાવ્યું કે ટ્રાયલમાં એ સ્પષ્ટ નથી કે વિલ સાક્ષીની હાજરીમાં માતા દ્વારા સાઈન કરાયું હતું કે નહિ.આ ઉપરાંત બંગલામાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરનો સમાવેશ થાય છે.. જો વિલ સ્વીકાર્ય ગણાય અને કાયદાકીય રીતે સાબિત કરી શકાય તો તેમાં ફક્ત બંગલાના ગ્રાઉન્ડ ફ્લોરનો જ સમાવેશ થાય, પહેલા માળનો નહિ. આથી તેને બંગલાના પહેલા માળ પર રહેવાનો હક છે તેમ તેણે કોર્ટને જણઆવ્યું હતું. જો કે પિતા અને બે દીકરીઓએ તેના દાવાનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી કે માતાએ અમુક કારણોને ધ્યાનમાં રાખીને જ પુત્રને પ્રોપર્ટીમાંથી બાકાત રાખ્યો હતો.
તેમણે ૨૧ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ પુત્ર વિરુદ્ધ વડોદરા પોલીસમાં માતાએ કરેલી ફરિયાદની કૉપી પણ સબમિટ કરી હતી. પુત્રએ તેના માતા-પિતા સાથે મારઝૂડ કરી હતી આથી જ માતા ચંદ્રકાંતા બહેન (નામ બદલ્યુ છે)એ વિલમાં બંને દીકરીઓને બંગલાની માલિકી આપી હતી. કોર્ટે કહ્યું કે બંગલામાં ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરનો જ સમાવેશ થાય અને પહેલા માળ પર તે રહી શકે તેવી દલીલ સાવ પાયાવિહોણી છે.