સમાજમાં નબળા અને જરૂરિયાતમંદ વર્ગને જયારે ખુદ તેમના પરિવારજનો, સગાવ્હાલા કે મિત્રવર્તુળમાંથી આર્થિક સહાય કે મદદ નથી મળી રહેતી ત્યારે તેઓ નિરાશાની ગર્તામાં ધકેલાઇ જાય છે અને તેમની પાસે કોઇ વિકલ્પ નથી રહેતો ત્યારે તેવા સમયે ઓનલાઇન ક્રાઉડ ફંડીંગ એક અદ્ભુત વિકલ્પ બનીને ઉભરી આવે છે. આજના સોશ્યલ મીડિયા અને ડીજીટલ પેમેન્ટના જમાનામાં હવે ઓનલાઇન ફંડ એકત્ર કરવાનો નવો કન્સેપ્ટ લોકપ્રિય થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઇન ફંડ એકત્ર કરનારાઓની સંખ્યામાં ૧૦ ગણો વધારો નોંધાયો છે. ગુજરાતમાંથી અમદાવાદમાંથી આ પ્રકારે ઓનલાઇન ફંડ ઉભુ કરનારા માત્ર ૪૭ ટકા લોકો છે, જેની સામે ચેન્નાઇ,મુંબઇ, હૈદ્રાબાદ અને બેંગ્લુરૂ જેવા શહેરોમાં આ ટકાવારી ૬૨થી ૮૯ ટકા સુધીની છે. જો કે, ભારતની સૌથી મોટી ઓનલાઇન ક્રાઉડ ફંડીંગ ટેકનોલોજી પ્લેટફોર્મ મિલાપ હવે ગુજરાતમાં આવા જરૂરિયાતમંદ લોકો સુધી આવું ઓનલાઇન ફંડ પહોંચાડવાની દિશામાં અસરકારક પ્રયાસો કરશે એમ અત્રે મિલાપ, ઓઆરજીના કો-ફાઉન્ડર અને સીઇઓ મયુખ ચૌધરીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન ફંડ ઉભુ કરવા પાછળના કારણો જોઇએ તો તેમાં મેડિકલ ઇમરજન્સી સૌથી વધુ મોટુ કારણ છે. ત્યારબાદ એજયુકેશન, સ્પોર્ટસ, સમાજની જરૂરિયાત સહિતના કારણો આવે છે. મેડિકલ ઇમરજન્સી એટલે કે, ઓપરેશન કે માંદગીના ખર્ચાઓને પહોંચી વળવાના કોઇની પાસે પૈસા કે આર્થિક સગવડ ના હોય તો તેવી નિસહાય વેળાએ આવા જરૂરિયાતમંદ લોકો મિલાપ મારફતે ઓનલાઇન ક્રાઉડ ફંડીંગ એકત્ર કરી શકે છે. ગુજરાતમાં આ પ્રકારે ઓનલાઇન ફંડ ઉભુ કરનારાઓએ અત્યારસુધીમાં મિલાપ મારફતે કુલ રૂ.૨.૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે માત્ર ૬૦૦ દાતાઓ પાસેથી જુદા જુદા કારણો હેઠળ મેળવેલા છે. ગુજરાતના લોકોએ પણ હવે ઓનલાઇન ફંડીંગ એકત્ર કરવાના આ નવા કન્સેપ્ટને સ્વીકાર્યું છે એમ કહેતા મિલાપના સીઇઓ મયુખ ચૌધરીએ ઉમેર્યું હતું કે, જો વ્યકિતને કોઇપણ જગ્યાએથી ભંડોળ ના મળી શકે ત્યારે તે ઓનલાઇન ફંડીંગ માટે પ્રયત્ન કરે તો તેમાં કશું ખોટું પણ નથી. આ એક સ્વાભાવિક વાત છે. ગુજરાત બધાથી અલગ કરે છે. અને ૫૩ ટકા ફંડ એકત્ર કરનારા માત્ર સુરત, વડોદરા, રાજકોટ અને જામનગરમાંથી મળે છે. જરૂરિયાતમંદ લોકો હવે મિલાપ.ઓઆરજી વેબસાઇટ અથવા ૯૯૧૬૧૭૪૮૪૮ મોબાઇલ નંબર પર વોટ્સ એપ મેસેજ કરી એક કલીકના સહારે ઓનલાઇન ક્રાઉડ ફંડીગ ઉભુ કરી મુશ્કેલભરી પરિસ્થિતિનું નિવારણ કરી શકે છે. તેમણે એ મુદ્દે ધ્યાન દોર્યું કે, પુર બાદ જવાબદારી લઇને બનાસકાંઠામાં મદદ પૂરી પાડવાથી લઇને અમદાવાદ નજીકની ઝુંપડપટ્ટીમાં ભણતર પૂરું પાડવા, સુરતમાં ગ્રામ્ય બાળકીઓને ટેબુમાથી બહાર લાવવા સહિતના કેટલાય સામાજિક અને જરૂરિયાતમંદ કિસ્સામાં લોકો હવે ઓનલાઇન ક્રાઉડ ફંડીંગ એકત્ર કરતા થયા છે. મિલાપે શહેરની એચસીજી ફાઉન્ડેશન અને કેર ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ સાથે જોડાણ કર્યું છે કે જેથી સંબંધિત લોકોને તેની જાણકારી મળી શકે. મેડિકલ ઇમરજન્સીનું એક ઉદાહરણ આપતાં મયુખ ચૌધરીએ જણાવ્યું કે, જયારે ચાર મહિનાની છોકરી નવ્યાને બ્લ બેબી સીન્ડ્રોમની તકલીફ હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. તે જીવન મરણ સામે ઝઝુમી રહી હતી. તેના પિતા એક ખેડૂત તથા રીક્ષાચાલક પાસે તેની સારવાર માટેના રૂ.૭.૫ લાખ ભેગા કરવાનો કોઇ રસ્તો ન હતો અને તેવા અણીના સમયે મિલાપ મદદે આવ્યું અને દુનિયાભરના સારા દાતાઓની મદદથી આ બાળકીના જીવનને બચાવવા માટે ક્રાઉડ ફંડીંગ એકત્ર કરાયું અને આખરે અસરકારક તબીબી સારવાર બાદ તેનો જીવ બચાવી શકાયો. આજે આ બાળકી સ્વસ્થ અને ખુશહાલ જીંદગી જીવે છે.