નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રાર્પણ કરી છે ત્યારે આ યોજના થકી રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે તથા ખેડૂતોને જરૂર મુજબ સિંચાઇ માટે પાણી પુરુ પાડવા માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યુ છે. આ માટે આ વર્ષે રૂા.૬,૯૪૫ કરોડની અંદાજપત્રમાં જોગવાઇ કરી છે.
ગુજરાત વિધાનસભા ખાતે નર્મદા વિભાગની માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે ૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે ૧૭૩૯.૩૫ કરોડ અપાશે જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે. સહભાગી સિંચાઇ યોજના અન્વયે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસિત કરવા માટે ભૂગર્ભ પાઇપ લાઇનથી સબમાઇનોરની કામગીરી માટે ૧૦૦૪.૩૧ કરોડની જોગવાઇ કરી છે. માર્ચ-૨૦૧૯ સુધીમાં ૨૯,૨૩૧ કિ.મી. લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇન થી પ્રશાખાની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. આ નવી નીતિના પરિણામે જૂન-૨૦૧૯ સુધીમાં ૧૧.૧૮ લાખ હેક્ટર પિયત વિસ્તારને આવરી લેવા ૨૯,૩૬૦ કિમી લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇનથી પ્ર-પ્રશાખાના કામો પૂર્ણ કરાયા છે. સાથે સાથે નર્મદા ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પણ જે સબમાઇનોરમાં તૂટફાટ થઇ છે એવી ૭૪૪૬ કિ.મી. લંબાઇની સબમાઇનોરની જગ્યાએ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા ૯૦૭.૩૫ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાઇ હતી તે પૈકી ૭૪૧.૩૮ કરોડના કામો પૂર્ણ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ છે. તેમણે કહ્યું કે, ચાલુ વર્ષના અંદાજપત્રમાં જે મુખ્ય જોગવાઇઓ કરી છે એમાં જમીન સંપાદન માટે ૫૦૦ કરોડ, ગરૂડેશ્વર વિયર, ગોરાબ્રિજના બાંધકામ તથા પાવરહાઉસ જાળવણી માટે ૨૪૭.૪૪ કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન કામગીરી માટે ૩૭૧.૪૧ કરોડ, કચ્છ શાખા નહેરના ત્રણ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે ૩૧૬.૩૨ કરોડ, વિવિધ શાખા નહેરો પર નાના વીજ મથકો સ્થાપવા માટે ૧૫૨.૫૫ કરોડ, સૌરાષ્ટ્ર શાખા નહેરના પાંચ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે ૯૧ કરોડ,મુખ્ય બંધના આનુસાંગિક કામો પુનઃવસન તથા પર્યાવરણીય કામગીરી માટે ૭૫.૧૧ કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે ૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યની આ મહત્વની યોજનાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ મળતી કેન્દ્રીય સહાય ઉપરાંત દેશની અગ્રીમતાના ધોરણે પૂરી કરવા માટેની ૯૯ યોજનામાં સમાવેશ થતા રાજ્ય સરકારના હિસ્સાની રકમ લોન્ગ ટર્મ ઇરીગેશન ફંડની ૮૯૭.૯૬ કરોડ લોન પણ મળનાર છે. હર ખેત કો પાની યોજના હેઠળ આ વર્ષે નર્મદા યોજના માટે ૧૫૧૧ કરોડની કેન્દ્રીય સહાય પણ મળશે.