ચૂંટણી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈકોર્ટની નોટિસ

713
guj1722018-9.jpg

રુપાણી સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભા ચૂંટણીમાં થયેલી જીતને પડકારતી અરજી પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી પંચ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જેમના નામ પિટિશનમાં અપાયા છે તેમની સામે નોટિસ કાઢી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ડિસેમ્બર ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી માત્ર ૩૨૭ મતોથી જીત્યા હતા. તેમની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા આ પિટિશન કરવામાં આવી છે, જેમાં મત ગણતરીમાં કેટલીક અનિયમિતતા આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અશ્વિન રાઠોડે દાવો કર્યો છે કે, મત ગણતરીમાં કરાયેલી અનિયમિતતાને કારણે જ ભૂપેન્દ્રસિંહ જીત્યા છે. પોતાની અરજીમાં રાઠોડે કહ્યું છે કે, પોસ્ટલ બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલા ૪૨૯ મતોને રિટર્નિંગ ઓફિસરે ગેરકાયદે રીતે ફગાવી દીધા હતા.  એટલું જ નહીં, ઈવીએમમાં ૨૯ મતો હતા, છતાંય તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા નહોતા. તેમણે એમ પણ કહ્યું છે કે, ધોળકા બેઠક પર ૧,૫૯,૯૪૬ મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં ૧,૫૯,૯૧૭ મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે, અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું. ચુડાસમા પર ગેરરીતિ આચરીને ચૂંટણી જીતવાનો આરોપ મૂકતા રાઠોડે માંગ કરી છે કે, દરેક રેકોર્ડ કોર્ટ સામે રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ. 
 આ પિટિશન પર સુનાવણી હાથ ધરતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે નોટિસ ઈશ્યૂ કરી છે જે ૮ માર્ચે રિટર્નેબલ છે. પિટિશનરે દાવો કર્યો છે કે, ચૂંટણી અધિકારી દ્વારા રિજેક્ટ કરાયેલા પોસ્ટલ બેલેટ પેપર્સ તેમને બતાવાયા પણ નથી, ઈવીએમમાં નોંધાયેલા તમામ મતો ગણતરીમાં લેવાયા હોવા છતાં તેમાં અને વોટિંગના દિવસે બૂથ નંબર ૬૦,૭૦, ૧૭૫, ૧૭૭ અને ૨૩૦માં પડેલા વોટોની સંખ્યામાં ફરક છે.

Previous articleઓનલાઇન ફંડ એકત્ર કરનાર લોકોની સંખ્યા ૧૦ ગણી વધી
Next articleકોલેજોમાંથી સેમેસ્ટર સિસ્ટમ હટાવવા ઉચ્ચ શિક્ષણ વિભાગની વિચારણા